Home ગોધરા આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા,સઘન ટ્રેસિંગ, ઝડપી ટેસ્ટિંગ, આઈસોલેશનના ચુસ્ત અમલ માટે...

આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા,સઘન ટ્રેસિંગ, ઝડપી ટેસ્ટિંગ, આઈસોલેશનના ચુસ્ત અમલ માટે સૂચના…

137
0

ગોધરા:૭ જાન્યુઆરી


પંચમહાલ જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા વધવાની સ્થિતિને જોતા આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં આરોગ્ય રાજયમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને થર્ડ વેવ સંદર્ભે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલનાં ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, નગરપાલિકા પ્રમુખઓ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં મંત્રી નિમિષાબેન સુથારે જિલ્લામાં હાલ કોરોના કેસોની સંખ્યા, સક્રિય કેસોની સંખ્યા, પોઝિટિવિટી રેટ, સર્વેલન્સ, કેસો વધવાનો દર, વધુ કેસ ધરાવતા વિસ્તારો, કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોમ આઈસોલેશન, ક્વોરેન્ટાઇન સંદર્ભે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો..મીનાક્ષીબેન ચૌહાણ પાસેથી મેળવી હતી. કોરોના સંક્રમણ ની દ્વિતીય લહેરની સરખામણીએ ત્રીજી લહેરના સમયે સંભવિત દૈનિક કેસો, મહત્તમ સક્રિય કેસોની સંખ્યા અને તે પ્રમાણે ટેસ્ટીંગ કીટસ, બેડસ, વેન્ટિલેટર, ઓક્સિજનબેડ્સની પૂર્વ તૈયારીઓના આયોજન વિશે રાજયમંત્રીએ ઝીણવટભરી વિગતો મેળવી સૂચના-માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત મેડિકલ ફેસિલિટીઝ પર ખૂટતા ડોક્ટર, નર્સ, લેબ.ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સહિતના પેરામેડિકલ સ્ટાફનએ સમયસર રિક્રુટ કરી લેવા જણાવ્યું હતું. જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે કેસોની સંખ્યા વધવાના દરને ધ્યાનમાં રાખીને આરટીપીસીઆર ટેસ્ટની સુવિધાઓ ઉભી કરવા તેમજ ટેસ્ટના પરિણામ ઝડપથી મળે, ખાનગીમાં કરાવેલ ટેસ્ટના પરિણામ પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે સરકારી તંત્રને મળે તે પ્રમાણે આયોજન કરવા તેમણે સૂચના આપી હતી. પેરાસીટામોલ, એઝીથરોમાયસીન, મલ્ટી વિટામીન, વિટામીન સી, ઝીંક સહિતની કોરોના સારવારમાં વપરાતી દવાઓનો સ્ટોક અંગે વિગત મેળવતા ગ્રામીણ સ્તરના કેન્દ્ર સુધી આ દવાઓ ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત ત્રીજી લહરમાં બાળકોમાં સંક્રમણના ખતરાને જોતા પીડીયાટ્રીક બેડ, વેન્ટિલેટર, પીડિયાટ્રિક ડોક્ટર સંદર્ભે કરવામાં આવેલા આયોજન અંગે વિગતો મેળવી હતી. આ ઉપરાંત તેમણે જિલ્લામાં ઓક્સિજનના સંભાવિત મહત્તમ દૈનિક વપરાશ, તેની સામે કરવામાં આવેલું આયોજન, ઓક્સિજન સ્ટોરેજની સુવિધાઓ, જિલ્લામાં સ્થાપવામાં આવેલા પીએસએ પ્લાન્ટની સ્થિતિ, ઓક્સિજન concentratorની સુવિધાઓ વિશે માહિતી મેળવતા આ તમામ પ્લાન્ટસ વહેલી તકે કાર્યરત થાય તે દિશામાં કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા. પીએમજેએ વાય- મા કાર્ડ હેઠળ કોરોનાની સારવાર આવરી લેવામાં આવી છે ત્યારે આ કાર્ડ હેઠળ મહત્તમ લોકોને આવરી લેવાય તે અંગે કામ કરવા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. જે વિસ્તારોમાં વધુ પ્રમાણમાં કેસો મળી રહ્યા છે ત્યાં ડોર-ટુ-ડોર સઘન સર્વે હાથ ધરવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ, આઈસોલેશનનો ચુસ્તપણે અમલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. જ્યાં કેસ વધુ પ્રમાણમાં આવ્યા છે ત્યાં ધનવન્તરી રથોનો ઉપયોગ કરી ઉકાળા, કોરોના પ્રતિરોધક હોમિયોપેથીક દવાઓનું વિતરણ, ટેસ્ટિંગ હાથ ધરવા સૂચના આપી હતી. પોઝિટિવ આવેલા લોકોને ઘરે બેઠા જોઈતી સારવાર અને દવાઓ પણ પૂરી પાડવા તેમણે જણાવ્યું હતું જેથી આઈસોલેશન અને ક્વોરેન્ટાઇનના નિયમોનું ચુસ્ત પણે અમલ થઈ શકે. જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા તેમણે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોમાં વેક્સીન આપવા સરકારે મંજૂરી આપી છે ત્યારે આવા જિલ્લાના આવા બાળકોનું વેકસીનેશન ઝડપથી પૂર્ણ કરી તેમને કોરોના સામે સુરક્ષિત કરવા અંગે તેમણે જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, સિવિલ સર્જન ડો. મોના પંડ્યા સહિતના આરોગ્ય અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ: કંદર્પ પંડ્યા ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here