Home Trending Special ICPR દ્વારા મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામીને ‘લાઇફ ટાઇમ અચીવમેંટ એવોર્ડ’

ICPR દ્વારા મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામીને ‘લાઇફ ટાઇમ અચીવમેંટ એવોર્ડ’

29
0

ICPR સંસ્થાનો સર્વોચ્ચ એવોર્ડ આ વર્ષે મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામીને મળ્યો ICPR દ્વારા મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામીને ‘લાઇફ ટાઇમ અચીવમેંટ એવોર્ડ’ એનાયત
અક્ષરધામ દિલ્હી ખાતે “અક્ષર-પુરુષોત્તમ દર્શનના વિવિધ આયામો” પર રાષ્ટ્રીય પરિસંવાદ

 

 ICPR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચ) અને BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ત્રિ-દિવસીય દાર્શનિક પરિસંવાદ તારીખ ૨૪, ૨૫, ૨૬ ડિસેમ્બરના રોજ ભવ્યતા સાથે સંપન્ન થયો. દિલ્હીના અક્ષરધામ મંદિર સંકુલમાં આયોજિત આ સંગોષ્ઠીમાં, “અક્ષર-પુરુષોત્તમ દર્શનના વિવિધ આયામો” વિષય પર સંશોધન પત્ર રજૂ કરવા ભારતભરમાંથી જાણીતા વિદ્વાનો આવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીથી તિરુપતિ રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ સુધી તેમજ કલકત્તા મહાવિદ્યાલયથી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય સુધીના મૂર્ધન્ય વિદ્વાનોએ શોધપત્રો રજૂ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ સંગોષ્ઠિમાં ભાગ લેવા માટે અમેરિકા અને ઈંગ્લેન્ડના વિદ્વાનો પણ હાજર રહ્યા હતા.
આ પરિસંવાદે દાર્શનિક ચિંતન અને વ્યવહારમાં બહુવિધ બંધારણને સમજવાની અનન્ય તક પૂરી પાડી હતી. તત્વજ્ઞાનની વિશેષતાઓ ઉપરાંત, કોન્ફરન્સમાં વિદ્વતાપૂર્ણ પ્રસ્તુતિઓમાં દાર્શનિક દૃષ્ટિકોણથી સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક, સાહિત્યિક અને માનવશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.


આ ત્રિદિવસીય સંગોષ્ઠીના અંતિમ ભાગમાં તારીખ 26 ડિસેમ્બર, 2021 ના રોજ વિદાય સમારંભ તથા અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રગાનથી થયો. આ સમારંભમાં અતિથિ તરીકે પ્રોફેસર રામકિશોર ત્રિપાઠી, પ્રોફેસર જટાશંકર તિવારી, ડો.આર.સી.સિંહા, ડોક્ટર રામ માધવ, પદ્મશ્રી ચમૂકૃષ્ણ શાસ્ત્રી, પ્રોફેસર મુરલીધર શર્મા, પ્રોફેસર સચ્ચિદાનંદ મિશ્રા, ડોક્ટર પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી તથા મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી અને અન્ય મૂર્ધન્ય વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.


દિલ્હી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય મુનિવત્સલ સ્વામીએ પુષ્પમાલાથી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ મહર્ષિ વ્યાસ દેવ નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પ્રકાશિત व्यासश्रीः નામક સંશોધન પત્રિકાના વિશેષ અંકનું વિમોચન કરવામાં આવ્યું. પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમદર્શને સમર્પિત આ વિશેષાંકનું વિમોચન સ્વામીજીએ કર્યું. સભામાં સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાં વેદાંત વિભાગના પ્રાધ્યાપક ડો. રામકિશોર ત્રિપાઠીને ‘વેદાંત માર્તંડ’ની ઉપાધિ આપીને મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજી તથા ડોક્ટર પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામીજીએ સન્માનિત કર્યા હતા.


મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજીએ 21મી સદીમાં સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પર સ્વામિનારાયણ ભાષ્યની રચના કરીને દાર્શનિક ક્ષેત્રે એક અદ્વિતીય ક્રાંતિ કરી છે. તેમજ અન્ય શૈક્ષણિક ક્ષેત્રે તેઓએ કરેલા અદ્વિતીય કાર્યને અનુલક્ષીને ICPR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ) દ્વારા મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજીને એવોર્ડ એનાયત કરીને અલંકૃત કર્યા હતા. આ શુભ પ્રસંગે ICPR ના અધ્યક્ષ ડોક્ટર આર.સી.સિંહાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, “પૂજ્ય ભદ્રેશ સ્વામીને એવોર્ડ આપીએ છીએ એમાં ICPRની ગરિમા વધી છે. આ ફક્ત ભદ્રેશ સ્વામીનું સન્માન નથી, પરંતુ સમગ્ર ભારતીય દાર્શનિક પરંપરાનું સન્માન છે.” પ્રોફેસર જટાશંકર તિવારીએ પોતાનો અનુભવ પ્રસ્તુત કરતા કહ્યું કે, “નવા યુગમાં આપણી પ્રાચીન દાર્શનિક પરંપરાના નિર્વાહક એવા પૂ. ભદ્રેશસ્વામીના સન્માન વખતે હું સાધુવાદ અર્પણ કરું છું.”
કવિ કુલગુરુ કાલિદાસ યુનિવર્સિટી, નાગપુરના કુલપતિશ્રી શ્રીનિવાસ વરખેડીએ કહ્યું કે, “ભારતીય દાર્શનિક પરંપરા ગંગાપ્રવાહ છે જે ઘણા સમયથી વચ્ચે વિલુપ્ત થઈ ગયો હતો, પૂજ્ય ભદ્રેશસ્વામીએ તેને પુનઃ જીવિત કર્યો છે. અક્ષરપુરુષોત્તમ દર્શનને આ પુરસ્કાર શાસ્ત્રીયતા આપે છે, હું ભદ્રેશ સ્વામીજીને નમન કરું છું.” આમ દરેક વિદ્વાનોએ અક્ષરપુરુષોત્તમ દર્શન અને ભાષ્યકારનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પોતાના સમગ્ર સન્માનનું કારણ ગુરુકૃપા જણાવ્યું હતું. તેઓએ સંપૂર્ણ યશ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજને આપ્યો હતો.
આ સમાપ્તિ સત્રના અંતિમ ચરણમાં આર્ષ શોધ સંસ્થાન ગાંધીનગરના નિર્દેશક પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામીજીએ આશીર્વચન અને અતિથિઓને સ્મૃતિભેટ પ્રદાન કર્યાં હતાં. આ રીતે ત્રિદિવસીય રાષ્ટ્રીય વિદ્વત્સંગોષ્ઠિમાં ‘અક્ષરપુરુષોત્તમ દર્શન અને તેના વિવિધ આયામો’ આ વિષય અંતર્ગત ઉંડાણપૂર્વક ચિંતન અને મનન દ્વારા તત્વજ્ઞાનના ક્ષેત્રમાં અક્ષરપુરુષોત્તમ દર્શનના વિવિધ આયામો રજૂ થયા.

 

Previous articleઆણંદ ખાતે યોજાઇ “કામધેનુ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેંટ 2021”
Next articleભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here