પાટણ : 22 સપ્ટેમ્બર
ગુજરાત પ્રેસ અકાદમી અને માહિતી કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે માહિતી કચેરી પાટણ ખાતે આજે વિકાસલક્ષી પત્રકારત્વનાં પાયામાં હકારાત્મક દ્રષ્ટિકોણ વિષયક પરિસંવાદ યોજવામાં આવ્યો. આ પરિસંવાદમાં પત્રકારત્વના હકારાત્મક દ્રષ્ટિકોણ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. પરિસંવાદમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વના વિદ્યાર્થીઓ તેમજ ગોકુલ ગ્લોબલ યુનિ.સિદ્ધપુર અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.પાટણના પત્રકારત્વના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારત્વ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આજના પરિસંવાદમાં ડિજીટલ ચિત્રલેખાના એડીટર કેતન ત્રિવેદીએ જણાવ્યુ કે આજના આધુનિક યુગમાં પત્રકારત્વમાં હકારાત્મક દ્રષ્ટિકોણ લોકોમાં વિશ્વસનિયતાનું વાતાવરણ ઉભુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે કે જે જનમાનસ ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે કલમનવેશોએ તેમની કલમનો યથોચિત ઉપયોગ કરીને ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારી જનતાને પહોંચાડવાની તેમની નૈતિક જવાબદારી વહન કરવાની હોય છે.
ગુજરાત પ્રેસ એકેડેમીના સચિવ પુલક ત્રિવેદીએ પરિસંવાદમાં જણાવ્યુ હતુ કે, આજના યુગમાં મિડીયા-એન્ટરટેનમેન્ટ ખુબ ઝડપથી વિકાસ પામી રહ્યુ છે. ત્યારે ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના સમુચિત સમન્વયના ક્ષેત્રમાં પત્રકારોએ જાગૃતિ કેળવવી પડશે. પત્રકારોના શીરે સચોટ અને સજ્જ માહિતી ઝડપથી પહોંચે તેની વિશેષ જવાબદારી છે. સરકાર, સમાજ અને લોકો વચ્ચે સામન્જસ્ય કેળવાય એ પ્રકારની સેતુરૂપ ભૂમિકા પત્રકારોએ ભજવવાની હોય છે તેવું પણ પુલક ત્રિવેદીએ ઉમેર્યું હતુ.
કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ યુનિવર્સિટીના ભરતભાઈ ચૌધરીએ લેખન સાથે સંકળાયેલા અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા સૌ કોઈને પત્રકારત્વના પવિત્ર વ્યવસાયની ગરીમા જળવાય તે રીતે સજ્જતા કેળવવા ઉપર ભાર મુક્યો હતો.
પ્રસ્તુત પરિસંવાદમાં પાટણ અને સિદ્ધપુર યુનિવર્સિટીના પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા ઉત્સુક યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.