સુરેન્દ્રનગર : 21 સપ્ટેમ્બર
માલધારીઓ લાલઘૂમ – ચાની કેબીનો અને હોટલો સવારથી જ સજ્જડ બંધ રાખવામાં આવી
રાજ્ય સરકારના ઢોર નિયંત્રણના કાયદાને લઇને રાજ્યના માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. આ કાયદાને કાળો કાયદો ગણાવીને સમગ્ર ગુજરાતભરમાં આજે એક દિવસ માલધારી સમાજે ડેરીમાં તેમજ ઘરે ઘરે દૂધ ન વેચવું કે આપવું સહિતના નિર્ણયો લેવાતા તેના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યા છે.
ત્યારે આજે દૂધ ડેરી કે અન્ય દૂધ એજન્સી અને વારામાં પણ દૂધ નહીં ભરવાનો નિર્ણય કરાયો હતો. ઢોર નિયંત્રણના કાયદાને લઇને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે માલધારી સમાજની ચાની કીટલી, ચાની હોટલો પણ બંધ રહી હતી. પશુ નિયંત્રણ કાળો કાયદો જો આવનારી વિધાનસભા સત્રમાં રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
આ અંગે માલધારી મહા પંચાયત કન્વિનર ગોપાલભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં ગુજરાતભરના માલધારી સમાજ દ્વારા એક દિવસ તા. 21ના રોજ દૂધ નહીં વેચવાનો અને દૂધના ડીલરોને દૂધ નહીં વેચવાનો ભરવાડ-રબારી સમાજ દ્વારા સર્વાનુમતે નિણર્ય લેવાયો હતો. સરકાર દ્વારા ઢોર નિયંત્રણનો કાયદો પરત નહીં કરે તો ઉગ્ર આંદોલનની કરવાની ચીમકી આપી હતી. ધ્રાંગધ્રાના મચ્છુમાના મંદિરે સમસ્ત માલધારી સમાજની મિટિંગ યોજાતા આજે ગુજરાત માલધારી સમાજ દ્વારા એક દિવસીય દૂધ બંધના એલાનને ધ્રાંગધ્રા સમસ્ત માલધારી સમાજ દ્વારા સર્મથન આપવા આવ્યું હતું. આ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા તમામ દૂધ ગરીબો અને હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવાનું જણાવ્યું હતું.
આજે ધ્રાંગધ્રા મચ્છુ માતાના મંદિરે માલધારીઓ અને પશુપાલકો એકત્ર થયા હતા. અને માલધારીના ધર્મ ગુરુના આહવાનને ટેકો જાહેર કર્યો હતો. ધ્રાંગધ્રા માલધારી સમાજ દ્વારા પણ રખડતા ઢોરોનો કાયદો પાછો ખેંચવા સરકારને કરી રજુઆત કરી હતી.આજ રોજ પશુપાલકો અને માલધારી દ્વારા હોસ્પિટલ, વિદ્યાર્થીઓ અને જરૂરીયાત વર્ગના લોકોને ફ્રીમાં દૂધ આપવામાં આવ્યું હતુ. આજે તમામ જિલ્લા અને તાલુકા મથકોએ દૂધનું વેચાણ અને ડેરીઓમાં દૂધ ભરવાનું તેમજ હોટલો બંધ રાખવાની જાહેરાત વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ દ્વારા કરવામાં આવી હતી. જેના સમર્થનમાં આજે ધ્રાંગધ્રામાં પણ માલધારી સમાજે દૂધ લેવાનું અને ડેરીઓ બંધ રાખી અને તેનો વિરોધ દર્શાવી અને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.