સુરેન્દ્રનગર: 18 સપ્ટેમ્બર
લીંબડીમાં 1600 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરી શહેરને લીલુંછમ બનાવાશે
શહેરના મુખ્ય માર્ગ, ગૌરવપથ, સહિત સોસાયટી રોડ ઉપર વુક્ષોનું વાવેતર કરાશે
1 વૃક્ષના ઉછેર માટે રૂ.2500નો ખર્ચ થવાનો અંદાજ છે
લીંબડી શહેરને હરીયાળુ બનાવવા સ્થાનિક ધારાસભ્ય, નગરપાલિકા અને સદભાવના ટ્રસ્ટ આગળ આવ્યા છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો, ગૌરવપથ, સોસાયટીઓમાં 1600 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનું ભગીરથ કાર્ય શરૂ થઈ ગયું છે.
સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં સૌથી ઓછા વૃક્ષો ધરાવતા સુકા મલક તરીકેની ઓળખ ધરાવે છે. જિલ્લાને હરીયાળો બનાવવા સુકા મલકના કલંકને હટાવવા માટે તાલુકાઓએ આગળ આવવું જરૂરી બની ગયું છે. પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ઉપ પ્રમુખ ગીતાબેન મકવાણા, ચિફ ઓફિસર તુષાર ઝાલરીયા તથા સુધરાઈના સભ્યોના પ્રયાસો થકી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ લીંબડી શહેરને લીલુંછમ બનાવવા 14 લાખની ગ્રાન્ટ ફાળવી છે.
લીંબડી શહેરના મુખ્ય માર્ગો, ગૌરવપથ, ટાવર બંગલા, કબીર આશ્રમ, ઉંટડી રોડ, સોસાયટીઓ સહિત સ્થળો ઉપર 1600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. કિરીટસિંહ રાણાને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યાને એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે તા.16 સપ્ટેમ્બરે રેલવે સ્ટેશન રોડ પર વૃક્ષોનું વાવેતર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 1 વૃક્ષાના વાવેતર અને ઉછેર માટે 2500 ખર્ચ થવાનો અંદાજ છે. 14 લાખની ગ્રાન્ટ ઉપરાંત રૂ.6 લાખ પાલિકા આપશે. અડધો ખર્ચ સદભાવના ટ્રસ્ટ ઉઠાવશે. ઘટતા વૃક્ષોને કારણે વધતું તાપમાન ભવિષ્ય માટે ચિંતાનો વિષય. કિરીટસિંહ રાણા. કેબિનેટ મંત્રી. વન અને પર્યાવરણ વિભાગ
વૃક્ષો ઘટતા ગ્લોબલ વોર્મિંગ અને દર ઉનાળે વધતા તાપમાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. વૃક્ષો કુદરતી ઓક્સિજન આપતા હોવાથી વધુમાં વધુ વાવેતર થાય તેવા પ્રયાસો થવા જોઈએ. ઘટતા વૃક્ષોને કારણે વધતું તાપમાન ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.
વૃક્ષ 3 વર્ષનું થાય ત્યાં સુધી તેની જાળવણીની જવાબદારી ટ્રસ્ટની છે. બેલાબેન વ્યાસ. પ્રમુખ નગરપાલિકા લીંબડી
વૃક્ષોનું વાવેતર તો થઈ જાય છે પણ ત્યારબાદ યોગ્ય ઉછેરના અભાવે વૃક્ષો સુકાઈ જતા હોય છે. વાવેતર કરેલા રોપાનો ઉછેર થાય માટે સદભાવના ટ્રસ્ટ જવાબદારી લે છે. આ કાર્ય માટે ટ્રસ્ટને જે વસ્તુની જરૂર પડશે તે નગરપાલિકા પૂરી પાડશે. 3 વર્ષ સુધી વૃક્ષનો ઉછેર કરવા પાણી, ખાતર સંરક્ષણ જાળી સહિત જરૂરી સેવાઓ સદભાવના ટ્રસ્ટ ટીમે ધ્યાન અપાશે.