પાટણ : 18 સપ્ટેમ્બર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ દેશના દરેક ખૂણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત આજે સિદ્ધપુરના સ્વામી નારાયણ મંદિર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને સહાયરૂપ થાય તેવા કૃત્રિમ અંગ તેમજ સાધનસામગ્રી આપવાનો કાર્યક્રમ પાટણના સાંસદ ભતરસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત 191 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને તેમની જરૂરિયાત મુજબના કૃત્રિમ અંગો તેમજ સાધનો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અર્પણ કરાયા.
સિધ્ધપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન નો મોટો પ્લાન્ટ કાર્યરત છે. જે અંતર્ગત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની સીએસઆર ગ્રાન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં 191 જેટલા દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રૂપિયા 26,83,084 ની કિંમતના બનેલ 311 સાધનસામગ્રીનુ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પહેલાં 191 દિવ્યાંગ વ્યક્તિઓના નામ નોંધવામાં આવ્યા હતા. જે નોંધાયેલા દિવ્યાંગોને કાર્યક્રમ દરમ્યાન સાધનસામગ્રી વિતરણ કરવામાં આવ્યું. ટ્રાઈસાઇકલ, વ્હીલચેર, સી.પી.ચેર, ઘોડી, સ્ટિક, કાનની મશીન, એમ.એસ.આઈ.ઈ.ડી. કીટ, બ્રેલ કેન, રોલેટર, એ.ડી.એલ.કીટ, મોબાઈલ, સ્માર્ટ ફોન જેવી સાધનસામગ્રી દિવ્યાંગોને વિતરણ કરાઈ.
દિવ્યાંગોને સાધનસામગ્રી વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગજનોને સાધન વિતરણ કરવામાં આવ્યા તેનાથી તેમના દૈનિક જીવનમાં ઉતરોતર પ્રગતિ થશે. દિવ્યાંગજનોને સન્માન સાથે સહકાર આપવાના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પ્રયાસોને બિરદાવું છું. તેમના આ ભગીરથ પ્રયાસને લીધે આ કાર્ય શક્ય બન્યું છે. પ્રજાના કોઈપણ પ્રશ્નો હોય તેમના હકારાત્મક ઉકેલ માટે વડાપ્રધાન કટિબદ્ધ છે. સમાજના વ્યક્તિઓ દિવ્યાંગજનોને સન્માન આપી તેઓ પણ દેશના વિકાસમાં તેમનું યોગદાનમાં આપે તે માટે આપણે સૌએ દિવ્યાંગોને મદદરૂપ થવું જોઈએ.