સુરેન્દ્રનગર: 15 સપ્ટેમ્બર
લીંબડી શહેરના ટાવર બંગલા રોડ પરના વેપારીઓ અને રહીશો દિવસમાં મનફાવે ત્યારે આપતાં વીજ કાપથી કંટાળીને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. લીંબડી શહેર અને ગ્રામ્ય વીજ કચેરીના અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. લોકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન રોડથી ટાવર બંગલા સુધી અનેક વૃક્ષોમાં વીજ વાયરો અડી ગયા છે. અનેક વખત વૃક્ષોની ડાળીઓ કાપી વીજ વાયરો ખુલ્લા કરવા રજૂઆત કરી પરંતુ અમારી રજૂઆત ઉપર ધ્યાન દેવામાં આવ્યું નથી. મેન્ટેનન્સના નામે લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કચેરીના અધિકારીઓ અને કર્મીઓ ગ્રાહકોને ખો આપી રહ્યા હોય તેવું લાગે છે. ઉનાળામાં જે હાલત હતી તેવી જ ચોમાસામાં છે.
વિરોધમાં જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા છએક મહિનાથી અમારી હાલત બદતર બની ગઈ છે. જ્યોતિગ્રામ યોજના કાગળ ઉપર જ હોય તેવું લાગે છે. 24 કલાકમાં 5થી 6 કલાક વીજળી ગુલ હોય છે. કાર્યપાલક ઈજનેર એમ.એન.સુમેસરા કામના નામે નોકરીના દહાડા કાઢી પગારની રાહ જોતા લીંબડી શહેર અને ગ્રામ્ય વીજ કચેરીના આળસુ અધિકારીઓ અને કર્મીઓ સામે કડક પગલાં ભરે તેવી માંગ કરી છે. જો ટૂંક સમયમાં વીજ સમસ્યા દૂર નહીં કરાય તો આંદોલન કરવાની ચિમકી પણ લોકોએ ઉચ્ચારી હતી.