પાટણ : 15 સપ્ટેમ્બર
વિપુલ ચૌધરી ની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં આજે પાટણમાં અર્બુદા સેનાએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને મુક્ત કરવા માટેની માંગ કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરીના આદેશ મુજબ કામ કરવામાં આવશે તેવી ચીમકી પણ અર્બુદા સેનાના આગેવાનોએ આપી હતી.
ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ગત મોડી રાત્રે પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવતા સમગ્ર ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના આગેવાનો કાર્યકરોમાં સરકારની આ તાનાશાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વિપુલ ચૌધરીના સમર્થનમાં આજે પાટણમાં અર્બુદા સેના અને ચૌધરી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી સરકાર વિરોધી સુત્રોચ્ચારો પોકારી દેખાવ કર્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પોલીસ દ્વારા કોઈપણ જાતની નોટિસ કે વોરંટ વગર વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે માટે તેઓને તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ચૌધરી સમાજના આગેવાન અને પાટણ જિલ્લા અર્બુદા સેનાના પ્રમુખ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખોટી તાનાશાહી કરી વિપુલ ચૌધરીની કાયદાકીય પદ્ધતિ વગર ધરપકડ કરવામાં આવી છે જેનો ચૌધરી સમાજમાં ભારે રોષ છે. વિપુલ ચૌધરીને જ્યાં સુધી જેલ મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી અર્બુદા સેના અને ચૌધરી સમાજ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે કાર્યક્રમો કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિપુલ ચૌધરીના આદેશ મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૌધરી સમાજ વલણ અપનાવશે