પાટણ : 14 સપ્ટેમ્બર
હડતાલ ઉપર ઉતરેલા વન કર્મચારીઓની બેઠક ચાણસ્મા નજીક રૂપપુર ગામે મળી હતી.જેમાં સરકાર માંગણીઓ પૂરી નહીં કરે તો આંદોલન ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ બેઠકમાં પાટણ અને મહેસાણા જિલ્લાના વન રક્ષક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
સમગ્ર રાજ્યમાં વિવિધ સંવર્ગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન, હડતાલ અને ધરણા પ્રદર્શનનો કરી રહ્યા છે ત્યારે રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનપાલ અને વન રક્ષક કર્મચારીઓ છેલ્લા સાત દિવસથી પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. છતાં હજી સુધી સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી નથી ત્યારે આગામી દિવસોમાં વિરોધના વિવિધ કાર્યક્રમો કરવા માટે ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે આવેલ હરસિદ્ધ માતા ના મંદિર પરિસર ખાતે પાટણ અને મહેસાણા જિલ્લાના વન રક્ષક અને વનપાલ કર્મચારીઓની બેઠક મળી હતી.
રાજપુર ખાતે મળેલી વન રક્ષકોની બેઠકમાં જ્યાં સુધી ગ્રેડ વધારો ન થાય પોલીસ કર્મચારીઓને તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું ભથ્થું વન કર્મચારીઓને આપવામાં ન આવે તથા ભરતી અને ભરતીનો રેશિયો 1:3 નો કરવામાં ન આવે ત્યાં સુધી એક પણ કર્મચારી નોકરી ઉપર હાજર નહીં થાય તેવો નિર્ણય કરાયો છે અને આગામી દિવસોમાં પડતર માંગણીઓને લઈને વન રક્ષક કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.