સુરેન્દ્રનગર: 12 સપ્ટેમ્બર
ચુડા ગામના લોકોની વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર કરવા 9 લાખ લીટર ટાંકી, 15 લાખ લીટરનો સમ્પ અને લાઈન નાખવા રૂ.5.43 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વાસ્મો દ્વારા ચુડામાં પાણીની લાઈન નાખવાનું કામ હાથ ધરાયું હતું. પરંતુ પાણીની લાઈનનું કામ એસ્ટિમેન્ટ મુજબ થતું નથી. 3 ફૂટ ખોદકામ કરવાને બદલે દોઢ-બે ફુટ ખોદી લાઈન નાંખી દેવાય છે. પાણીની નવી લાઈન નાખવા બદલે જૂના પાઈપમાં જોઈન્ટ આપી ભ્રષ્ટાચાર કરાઈ રહ્યાની ફરિયાદ ઉઠી હતી. ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચારની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી.
ચુડા ગ્રામ પંચાયત કચેરીએ સરપંચ કનૈયાલાલ વાણિયા, ઉપસરપંચ હિતુભા ઝાલા અને સભ્યો દ્વારા જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતાં ચુડામાં નખાતી પાણીની લાઈનનું કામ બંધ કરાવી જયાં સુધી ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં ન આવે ત્યાં કામના બિલ પાસ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાણીની લાઈન નાખવાનું કામ બંધ થતાં કોન્ટ્રાક્ટરો અને વાસ્મોના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. આ અંગે પાણીની લાઈન નાખવાનું કામ કરતા હરપાલભાઈ લીંબોલાએ જણાવ્યું હતું કે અમારા ઉપર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપો ખોટા છે. અમે જેટલું ખોદકામ કરીએ એટલું જ બિલ પાસ થતું હોય છે. ઘણી જગ્યાએ ખોદકામ કરીએ તો નીચે ગેસ કે ગટરની લાઈન તૂટી જતી હોય છે. એ મેઈન્ટેનન્સ ખર્ચ અમને મળતો નથી. સીસી રોડ કે પેવર બ્લોક નાંખ્યા હોય ત્યાં ખોદકામ કરી લાઈન નાખી તો એ રિપેર કરવાની જવાબદારી અમારી નથી. વિજયનગર, માખણ અને અમરનગર વિસ્તારમાં નવી લાઈન નાખી પાણીની સપ્લાય પણ ચાલુ કરી દેવામાં આવી છે. અમે 2 મહિનાથી અમે કામ કરીએ છીએ હવે ભ્રષ્ટાચારની વાતો ક્યાંથી ઊડી એ ખબર નથી. પુરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છીએ.