સુરેન્દ્રનગર: 12 સપ્ટેમ્બર
લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર આદિગુરુ શંકરાચાર્યનગર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજના સહયોગથી પરશુરામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરશુરામ મંદિર બ્રહ્મ સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
રવિવારે પરશુરામધામ ખાતે ધાર્મિક ઈમારતોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસદ સભ્ય બાબુભાઈના હસ્તે શ્રીનાથ જલધારા, પ્રવેશદ્વાર, સંપૂર્ણાનંદજી સંત કુટિર, અતિથિ કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં 41 હાસ્ય કાર્યક્રમો યોજી તેમાંથી અર્જિત કરેલી ધનરાશિ જરૂરીયાતવાળી જગ્યાએ અર્પણ કરનાર ડૉ.જગદીશ ત્રિવેદી સહિત સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા જણાવ્યું હતું કે પરશુરામનું મંદિર ફક્ત બ્રહ્મ સમાજ જ નહીં પણ અન્ય સમાજના લોકો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. સાધુ-સંતોના સંપર્કથી તથા ધાર્મિક સ્થળોએ જવાથી મનને શાંતિ અને સ્થિરતા મળે છે. કર્મના વિચારથી નમ્રતા અને ધર્મના વિચારથી નિર્ભયતા આવે છે. આગામી સમયમાં પરશુરામધામ ખાતે બગીચો, કોમ્યુનિટી હોલ, ગેસ્ટ હાઉસ, પાર્ટી પ્લોટ, ફાઉન્ટેન, જીમ, હોમ થિયેટર, પુસ્તકાલય સહિતની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે.