સુરેન્દ્રનગર : 7 સપ્ટેમ્બર
લીંબડીની મસ્જિદમાં ઉર્દૂભાષાનું શિક્ષણ આપતો રાણપુરનો શખસ સગીરાને લલચાવી ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈમાં જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ અંગે લીંબડી પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હવસખોરને આજીવન કેદની સજા ફટકારી હતી.
લીંબડી શહેરની મસ્જિદમાં મુસ્લિમ સમાજના બાળકોને ઉર્દૂભાષાનું શિક્ષણ આપવામાં માટે રાણપુરના નૂરમહંમદ લીયાકતહુસેન સૈયદને રાખવામાં આવ્યો હતો. નૂરમહંમદ સૈયદ મસ્જિદ સિવાય લોકોના ઘરે જઈને પણ બાળકોને ઉર્દૂ શિખવતો હતો. તા.5 ઓક્ટોબર 2016ના રોજ નૂરમહંમદ 13 વર્ષ અને 4 માસની બાળકીને લલચાવી ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં મકાન રાખીને નૂરમહંમદે સગીરા ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોએ હવસખોર નૂરમહંમદ સૈયદ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લીંબડીની કોર્ટમાં કેસ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ કિરણભાઈ શાહની ધારદાર દલીલોને ધ્યાને લઈને લીંબડી એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી નૂરમહંમદને આજીવન કેદની સજા ફટકારી હતી. ભોગબનનારને રૂ.50 હજાર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.