પાટણ : 7 સપ્ટેમ્બર
જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા રાધનપુર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન ઠાકોરજીની વાજતે ગાજતે શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી હતું.
રાધનપુર ઠાકોર સમાજ દ્વારા જળ જીલણી એકાદશી નિમિત્તે ઠાકોર વાસ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો અલ્પેશ ઠાકોર વિરોધનું ભાજપનું એક જૂથ જગદીશ ઠાકોર સાથે એક મંચ ઉપર જોવા મળ્યું હતું.ધર્મસભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય શંકાજી ઠાકોર તથા ભાજપના ઠાકોર સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજના આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ધારાસભ્ય રઘુ દેસાઈ નું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આ પ્રસંગે રાધનપુર શહીદ જિલ્લામાં હવે કોઈ મહામારી ન આવે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે રાધનપુર બેઠક ઉપર લોકલ ઉમેદવારી કરવા થનગનતા ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે અમે કટ્ટરવાદના રાજકારણને માનતા નથી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી સમયે 15- 20 દિવસ વિચારોની લડાઈ લડે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સરકાર ગમે તે પક્ષની બને અમે સૌ હળીમળીને રહીએ છીએ. અમે વિપક્ષમા હોઈએ અને રાજ્યના મુખ્ય પ્રધાનને ઘરે લગ્નનો પ્રસંગ હોય તો માંડવો અમે સાચવતા હતા.
સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ શ્રી ખોડીયાર માતાના મંદિર ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ ઠાકોર સમાજ દ્વારા જગદીશ ઠાકોરની સાકર તુલા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.