સુરેન્દ્રનગર : 5 સપ્ટેમ્બર
– એક ગોળી હોટલની દિવાલ પર બે ગોળી હોટલનો સ્ટાફ નીચે બેસી જતા બચી ગયેલા અને બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી બે આરોપીઓ ગાડીમાં ફરાર
પાટડી તાલુકાના કચોલિયા ગામના બોર્ડ પાસે આવેલી ઇસ્કોન ફુડ મોલમાં ગાડીમાં આવેલા ગેડીયા ગામના બે શખ્સોએ તમારે હોટલ ચલાવવી હોય તો અમને દર મહિને રૂ. 15,000નો હપ્તો આપવો પડશે એમ જણાવી પાંચ રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં એક ગોળી હોટલની દિવાલ પર બે ગોળી હોટલનો સ્ટાફ નીચે બેસી જતા બચી ગયેલા અને બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી બે આરોપીઓ ગાડીમાં ફરાર થઇ ગયા હતા.
કેશીયર સહિતના હોટલના સ્ટાફ પર એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરીંગ
પાટડી તાલુકાના કચોલિયાના બોર્ડ પાસે આવેલી હોટલ ઇસ્કોન ફુડ મોલમાં કુલદીપસિંહ લખુભા દરબાર કેશીયર તરીકે કામ કરે છે અને હોટલમાં અન્ય 25 લોકો પણ કામ કરે છે. ત્યારે પાટડી તાલુકાના ગેડીયા ગામનો આસીફખાન નશીબખાન મલેક અને અન્ય એક અજાણ્યા શખ્સે હોટલ પર આવીને તમારે અહીં હોટલ ચલાવવી હોય તો દર મહિને રૂ. 15,000નો હપ્તો આપવો પડશે એમ કહી કેશીયર સહિતના હોટલના સ્ટાફ પર એક પછી એક પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં એક ગોળી હોટલની દિવાલ પર બે ગોળી હોટલનો સ્ટાફ નીચે બેસી જતા બચી ગયેલા અને બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી બે આરોપીઓ ગાડીમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે આ હોટલના કેશીયર કુલદીપસિંહ લખુભા દરબારે ગેડીયા ગામના આસીફખાન નશીબખાન મલેક અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ બજાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ ફરીયાદના આધારે ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા બંને આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
– આરોપીઓ અવારનવાર હોટલ પર આવી મફતમાં વસ્તુ લઇ દર મહિને રૂ. 15,000ની માંગણી કરતા હતા
આ બંને આરોપીઓ અવારનવાર આ ઇસ્કોન ફુડ મોલ હોટલ પર આવી મફતમાં ઠંડા પીણા અને સીગરેટ સહિતનો સામાન લઇ બંદૂકની અણીએ અહીં હોટલ ચલાવવી હોય તો રૂ. 15,000નો હપ્તો માંગવાની સાથે ધાકધમકી આપતા હતા. અને બીકના માર્યા અત્યાર સુધી પોલિસ ફરીયાદ ન નોંધાવી હોવાનું હોટલના સ્ટાફે પોલિસને જણાવ્યું હતુ.