પાટણ : 24 ઓગસ્ટ
પાટણના આનંદ સરોવરે પાણીના બદલે વેલમાં ઢંકાઈ જઈને તેની ઓળખ બદલી દીધી હોય તેવું દૃશ્ય હાલમાં જોવા મળી રહ્યું છે . લોકો અહીંનું દૃશ્ય જોઈને આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
પાટણ શહેરમાં આજે સવારના સમયે પડેલ જોરદાર વરસાદથી આનંદ સરોવરમાં પાણીનો જથ્થો વધ્યો હતો પરંતુ અહીં લીલીછમ અને મોટા પાંદડાવાળી વનસ્પતિનું સામ્રાજય છવાઈ જતા તળાવમાં પાણીની જગ્યાએ જાણે વેલનું તળાવ હોય તેવું દૃશ્ય સર્જાયું છે . આનંદ સરોવરમાં અલગ જ પ્રકારની વનસ્પતિ વેલના કારણે જાણે તળાવમાં લીલી ચાદર પથરાઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે અને લોકો તે જોવા માટે આનંદ સરોવર ખાતે પહોંચ્યા હતા . આ વનસ્પતિ અંગે એક વડીલે જણાવ્યું કે આ નાડો જાતની વનસ્પતિ વેલ છે તે દિન પ્રતિદિન વધતી જાય છે અને આ વેલ પાણીમાં જ જોવા મળે છે . વળી આ વનસ્પતિ ખૂબ ઝડપથી ફેલાઈ જાય છે તેના કારણે આનંદ સરોવરમાં આ નાડો વેલ આખા સરોવરમાં પથરાયેલી જોવા મળી રહી છે .