સુરેન્દ્રનગર: 24 ઓગસ્ટ
રસ્તા, ટ્રાફિક, સ્ટોલ, પાણી, રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિતનાં સુચારૂ આયોજન સંદર્ભે માર્ગદર્શન-સૂચના આપ્યા
તા. 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મેળાનાં આયોજન માટે તંત્ર સુસજ્જ
કોરોનાનાં કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ યોજાઈ રહેલા મેળા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ
સુરેન્દ્રરનગર જિલ્લાનો વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળો કોરોના મહામારીનાં કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ ફરી યોજાવા જઈ રહ્યો છે. થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતા અને પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર એવો આ ભાતીગળ મેળો આગામી તા.30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2022 સુધી યોજાશે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા આ મેળાનાં સૂચારૂ આયોજન સંદર્ભે તરણેતર ખાતે જિલ્લા કલેકટર કે.સી સંપટના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેળાનાં આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરતા કલેકટર એ જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગરની ઓળખ સમાન તરણેતરનો મેળો સમગ્ર જિલ્લા માટે અતિ અગત્યનો કાર્યક્રમ છે. મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે, સાચા અર્થમાં લોકમેળો બની રહે, મુલાકાતીઓ મેળાનો મુક્તપણે આનંદ માણી શકે તે પ્રકારનાં ક્ષતિ રહિત આયોજન અને અમલીકરણ માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે.
તરણેતરનાં મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્ટોલ ધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મેળામાં ઉપસ્થિત રહેનાર મંત્રીઓની મુલાકાતને ધ્યાનમાં લઈને કલેક્ટરએ આયોજન સંબંધી વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. મેળામાં આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી કન્ટ્રોલરૂમનાં માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, ચોટીલા પ્રાંત અધિકારી, થાનગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તરણેતર સરપંચશ્રી અજુભા રાણા સહિતના સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.