સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
20 વિહરમાન તિર્થકાર પ્રભુને 20 સિંહાસનમાં પધરાવી 20 પ્રકારના નૈવેદ્ય ધરાવાયા
લીંબડી જૈન સંઘના આંગણે પહેલીવાર અદ્દભુત, અલૌકિક મહા પૂજન પ્રસંગ ભક્તિભાવથી યોજવામાં આવ્યો હતો. વીસ વિહરમાન તિર્થકાર પ્રભુને 20 સિંહાસનમાં પધરાવી 20 પ્રકારના નૈવેદ્ય ધરાવવામાં આવ્યા હતા.
લીંબડીના આંગણે નૂતન ઉપાશ્રય ખાતે સૌ પ્રથમવાર સૂરિમન્ત્ર સમારાધક આચાર્ય વિજય સિંહસેનસૂરીશ્વરજી, આદિ સાધુ સાધ્વીજી ભગવંતો સહિતની નિશ્રામાં અદ્દભુત, અનુઠી, અદ્વિતીય, અલૌકિક મહા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વીસ વિહરમાન તપના તપસ્વી રત્નોના પારણા પ્રસંગે તપસ્વી રત્નો તરફથી તપનું મહા ઉજવણું તથા સંઘ સ્વામિવાત્સલ્ય(ચૌવિહાર) પ્રસંગ ભક્તિમય વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો. સવારે 7 વાગ્યે માંગલિક પ્રવચન, 7:30 વાગ્યે તપસ્વી રત્નો તથા બિયાસણાના લાભાર્થીઓનું બહુમાન,
8:30 વાગ્યે તપસ્વી રત્નોના જાજરમાન પારણા કરાવ્યા હતા. લીંબડી જૈન સંઘના તમામ સભ્યોએ બપોર પછી દુકાન પાખી રાખી હતી. બપોરે 12:39 કલાકે વીસ વિહરમાન મહા પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 ભગવાનની પ્રતિમ દર્શન, મુગટ અને બાજુબંધ ધારી તપસ્વીઓ, 35થી વધારે નૈવેદ્ય, 25થી વધારે ફળ, 20થી વધારે ફૂલ, અત્તર, કઠોળ, મસાલા, ધૂપ, ઔષધી, નદીના પાણી, અભિષેક, ચોખા ગહુંલી, સ્તવનોની સુરાવલી કરવામાં આવી હતી. મહાપૂજન પૂર્ણ થયા બાદ પૂરીબાઈની ધર્મશાળામાં તપસ્વી તરફથી સંઘ સ્વામિવાત્સલ્ય (ચૌવિહાર) કરવામાં આવ્યો હતો.