પાટણ : 21 ઓગસ્ટ
કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ પાટણ જિલ્લાની મુલાકાતે છે. બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. તેમજ જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પોંહચ્યો છે. તેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે.
આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેને અનુલક્ષીને અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા મીટીંગો,જન સંપર્ક,ડોર ટુ ડોર ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવતીકાલે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ બે દિવસીય પાટણની મુલાકાતે આવી રહ્યા છે.તેમના પ્રવાસ દરમ્યાન તેઓ પાટણ જિલ્લાના વિકાસની વિગતો અધિકારીઓ પાસેથી મેળવશે. પ્રવાસના પ્રથમ દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ પર ઉતર્યા બાદ તેમના રાજકીય કાર્યક્રમોમાં તેઓ સહભાગી બનશે. જે બાદ સાંજે પાટણ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.
પાટણ ભવ્ય ઐતિહાસિક ધરોહર ધરાવતી નગરી છે. કેબિનેટ પ્રધાન પિયુષ ગોયલ બીજા દિવસે સવારે રાણકી વાવની મુલાકાતે લેશે. જે બાદ પાટણની ઓળખ એવા પટોળા હાઉસની મુલાકાતે જશે. પટોળા હાઉસની મુલાકાત બાદ તેઓ નગર દેવી કાલિકા માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી પાટણ તાલુકાના ભદ્રાડા ગામે જવા રવાના થશે. જ્યાં તેઓ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે.
ભદ્રાડા ગામે સ્થાનિક લોકોને મળ્યા બાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કર્યા બાદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તન વિષે વિગતો મેળવશે.
કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ જિલ્લા કલેકટર ઓફિસે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જીલ્લાની વિકાસ સંબંધિત માહિતીથી કેન્દ્રીય પ્રધાનને અવગત કરશે. જે બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ પોતાના પાટણ જિલ્લાના પ્રવાસ દરમ્યાનની વિગતો મામલે મીડિયા મિત્રો સાથે સંવાદ કરી પોતાના પ્રવાસની પૂર્ણાહુતિ કરશે.