સુરેન્દ્રનગર: 11 ઓગસ્ટ
તિરંગા રેલીમાં 2500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા, રેલીનું લોકોએ ભાવભર્યું સ્વાગત કર્યું
તિરંગા રેલીમાં ‘ભારત માતાકી જય’, ‘વંદે માતરમ્’ ના નારાથી ગુંજી ઉઠ્યું સુરેન્દ્રનગર
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હાલ ‘હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને વિવિધ પ્રદર્શનનો, રેલીઓ, સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજ રોજ સુરેન્દ્રનગર ખાતે ‘તિરંગા રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા રેલીની વિવેકાનંદ કોલેજથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરનાં બસ સ્ટેન્ડ, હેન્ડલુમ, જવાહર ચોક અને આંબેડકર ચોક જેવા વિવિધ વિસ્તારોમાં રેલી યોજાઇ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવેકાનંદ કોલેજ તેમજ એન.સી.સી.ના કેડેટ્સ અને શહેરની વિવિધ કોલેજોનાં કુલ 2500થી વધુની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા.
આ રેલીમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી કે. સી. સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત સહિત સમાજના અગ્રણીઓ સહભાગી બન્યા હતા.
આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ અને એન સી.સી.કેડેટ્સ દ્વારા “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારાઓથી સુરેન્દ્રનગર શહેર ગુંજી ઉઠ્યું હતું