પંચમહાલ: 1 ઓગસ્ટ
મહિલાઓના ઉત્થાન માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટીને અનુસરી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ રાહને આગળ વધારીને મહિલાલક્ષી યોજનાઓના અમલને સાર્થક કરવા ઘનિષ્ટ પ્રયાસો આદર્યા છે. જેના ફળ સ્વરૂપ આજે મહિલાલક્ષી આ યોજનાઓનો લાભ લઇ મહિલાઓ આત્મનિર્ભર બની સમાજમાં ઉન્નત મસ્તકે જીવન વ્યતિત કરી રહ્યા છે. સ્ત્રી શક્તિને સશક્ત બનાવવા તથા તેમની આગવી કાર્યશૈલી થકી સ્વાવલંબી બનાવવાની પ્રવૃતિને વેગ મળે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચમહાલ-ગોધરા દ્વારા એનેરા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તે માટે સ્વસહાય જુથની બહેનોની આર્થિક પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરવા રક્ષાબંધન પર્વને અનુરૂપ ચીજ વસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ દ્રારા સ્વસહાય જુથની બહેનોના આર્થિક ઉત્કર્ષ માટે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકીએ બાવાની મઢી સામે, અટલ બગીચાની પાસે, ગોધરા પંચમહાલ ખાતે રાખી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
આ રાખી મેળો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગોધરા દ્રારા પાંચ સ્ટોલ સાથે સમય સવારે ૧૦-૦૦ થી સાંજે ૭-૦૦ કલાકે તા.૦૧/૦૮/૨૦૨૨ થી ૦૮/૦૮/૨૦૨૨ સુધી યોજાશે. તેમા મોરવા(હ) તાલુકાના નાટાપુર, ખુદરાના ૦૨ સ્વ સહાય જુથ,ઘોંઘબા તાલુકાના વાવ,નવાગામ વાવના ૦૩ સ્વ સહાય જુથ, ગોધરા તાલુકાના ગોંવિદી, નસીરપુરના બે મળી ૦૩ સ્વ સહાય જુથ, શહેરા તાલુકાના સુરેલી, ખાંડિયાના ૦૨ સ્વ સહાય જુથ અને કાલોલ તાલુકાના શામળદેવીના ૦૧ સ્વ સહાય જુથે ભાગ લીધો છે. પ્રાથમિક અને માધ્યમિક કન્યા શાળાની છાત્રોઓ,કોલેજની છાત્રાઓ,સખી મંડળની બહેનો અને જુદા જુદા એનજીઓના સભ્યો, મંડળોના સભ્યો સહિત પ્રજાજનો દ્વારા આ રાખીમેળાની મુલાકાત કરી સ્વસહાય જુથની બહેનોની રાખડીઓની ખરીદી કરી આર્થિક સહયોગ આપવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગોધરા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.