પંચમહાલ: 28 જુલાઈ
ગુજરાતમાં વાહન ચોરી અને મોબાઇલ ચોરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે E-FIR પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. E-FIR એપ્લીકેશન અને પોલીસ વિભાગની અન્ય ઓનલાઈન સેવાઓ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે અન્વયે પંચમહાલ જિલ્લામાં પોલીસ અધીક્ષક શ્રી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં વિવિધ સ્થળો ખાતે લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અન્વયે ગોધરા સ્થિત શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે E-FIR લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ કોલેજના વિધાર્થીઓએ અભ્યાસ દરમિયાન જે સિદ્ધિઓ મેળવી હતી તેને લઈને વિવિધ અધીકારીગણોના હસ્તે સર્ટિફીકેટનું વિતરણ કરાયું હતું. આ સાથે વિધાર્થીઓને E-FIR બાબતે ડિજિટલ ડિસ્પ્લે દ્વારા ટુંકી ફિલ્મ બતાવી આ એપ્લીકેશનના માધ્યમથી કેવી રીતે ફરિયાદ કરી શકાય છે તે બાબતે માહિતી આપવામાં આવી હતી તથા લિંક અને ક્યુ-આર કોડ દ્વારા આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માહિતી અપાઈ હતી.
આજના આ પ્રસંગે પોલીસ અધીક્ષક શ્રી હિમાંશુ સોલંકીએ પોતાના ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના મહત્વના નિર્ણય થકી વાહનચોરી અને મોબાઇલ ચોરી જેવા કેસોમા ઘરેબેઠા ફરીયાદ નોધાવી શકાશે. આ સાથે તેમણે કહ્યું કે અત્યારે આ પાયલોટ પ્રોજેકટ છે તથા પ્રોજેકટ સફળ થાય તો સરકારશ્રી દ્વારા ભવિષ્યમાં વિવિધ ગુનાઓને ઈ એપ્લિકેશન દ્વારા નોધવામાં આવશે.ગુજરાત સરકારશ્રીના પ્રયત્નો દ્વારા E-FIR એ નાગરિક સીટીઝન પોર્ટલ દ્વારા અને સીટીઝન ફર્સ્ટ નામની એપ દ્વારા ફરિયાદ નોધાવી શકાય છે. લોકો દ્વારા કરાયેલી ફરિયાદ આધારે 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ઘટના સ્થળની મુલાકાત કરશે. ફરિયાદીને તેની જાણ SMS દ્વારા મળતી રહેશે ઉપરાંત આની જાણ જે તે વિમાં કંપનીને પણ અપડેટ થતી રહેશે. આજના ડિજિટલ યુગમાં તમામ પ્રકારની ઓનલાઇન સેવાઓ મળી રહે તે મુજબની સેવાઓ આપવામાં આવી રહી છે. આ સાથે ગુમ થયેલ વ્યક્તિ, મકાન ભાડે આપેલું હોય, પાસપોર્ટ એપ્લિકેશન જેવી સુવિધાઓ પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામા આવી છે.
આ પ્રસંગે ડી વાય એસ પી શ્રી ચેતનભાઈ ખટાણાએ વિધાર્થીઓને સોશિયલ મિડીયાનો સદઉપયોગ કેવી રીતે કરવો અને સાયબર ક્રાઈમ વિશે માહિતી પુરી પાડી હતી.
આજના આ પ્રસંગે પી આઈ એન.આર ચૌધરી, કોલેજના આચાર્યશ્રી,પ્રોફેસરશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.