સુરેન્દ્રનગર : 28 જુલાઈ
બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે લોકોએ કેમિકલયુક્ત દેશીદારૂ પીને જીવ ગુમાવ્યા તેમાં ચુડા તાલુકાના કોરડા અને ચચાણા ગામના 2 લોકો મોતને ભેટયા હોવાની વિગત સામે આવી રહી છે.
ભૃગુપુર ગામમાં દારૂ બંધ કરાવવા ચુડા પીએસઆઈને ગ્રામ પંચાયતે લેટર લખ્યો.
ભૃગુપુર ગામના સરપંચ ઉષાબેન ડાભીએ ચુડા પીએસઆઈને ગ્રામ પંચાયતના લેટરપેડ પર પત્ર લખીને જણાવ્યું છે કે ગામમાં દારૂ પીવાનું વધી ગયું છે.
પંચાયત અને તેની આજુબાજુમાં સાંજે 4થી 8 વાગ્યા સુધી દારૂડિયાઓ બેસી રહે છે. ત્યાંથી પસાર થતી યુવતીઓ સાથે ખરાબ વર્તન કરે છે.
ભૃગુપુર ગામે દારૂ બંધીનો કડક અમલ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડમાં જે ગામમાં સૌથી વધુ લોકોના મોત થયા તે રોજીદ ગામના સરપંચે પણ માર્ચ મહિનામાં ગામમાં દારૂ બંધ કરાવવા બરવાળાના પીઆઈને પત્ર લખ્યો હતો.
પરંતુ પીઆઈએ પત્રની ગંભીરતાને અવગણી કોઈ કાર્યવાહી નહીં કરતાં રોજીદ ગામે લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.