આણંદ : ૫ જાન્યુઆરી
રાજયમાં ગંભીર કે સામાન્ય અકસ્માત કે કોરોના કાળ સમયે ઇજાગ્રસ્ત અને બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. કોરોના કાળમાં જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી આ સેવાના પ્રતિનિધી ડૉક્ટર્સ અને સ્ટાફ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે.
આણંદ જીલ્લામાં 17 થી વધુ 108 એમ્બ્યુલન્સ વાન ડોકટર સહિત પીએમપી સહિતના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જાેકે ગત વર્ષે કોરોનાને કારણે લોકોમાં ગભરામણ, હાઈબીપી, લોબીપી વગેરેના કેસો વધુ જાેવા મળ્યા હતા. જેના કારણે વર્ષ દરમિયાન 26 હજારથી વધુ દર્દીઓને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડીને કે સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 2101 કોવીડના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારબાદ હાઈબીપી સહિત લો બીપી વગેરે મળીને 4 હજારથી વધુ દર્દીઓ હોસ્પીટલ પહોંચાડ્યા છે. આમ વર્ષ દરમિયાન 4257 દર્દીઓને નવજીવન બક્ષ્યુ છે જેઓને તાત્કાલિક સારવાર મળી જતા સારું થયું હતું.
રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો 29 ઓગસ્ટ, 2007થી 108નો પ્રારંભ થયો ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું.હાલ રાજ્યના 6 કરોડ નાગરિકો અને 257 તાલુકાઓના 18 હજાર કરતાં વધુ ગામોમાં આ સેવાનો લાભ પહોંચી રહ્યો છે.આણંદ જીલ્લામાં 108 ની સેવા દરેક તાલુકા મથકે જાેવા મળી રહી છે. આણંદ શહેરમાં ટાઉન હોલ, વિદ્યાનગર રોડ ઉપર તેમજ મંગળપુરા વિસ્તારમાં પણ 108 ની જુદી જુદી ટીમો કાર્યરત રહે છે. હાલમાં જીલ્લામાં 17 થી વધુ ટીમો કામ કરી રહી છે. જેમાં એક વર્ષ દરમિયાન 108 દ્વારા 26422 દર્દીઓને હોસ્પિટલમાંથી સ્થળ પર સારવાર આપવામાં આવી છે. જેમાં ગર્ભવતી સ્ત્રીઓને સારવાર તથા હોસ્પિટલમાં સૌથી વધુ પહોંચાડી છે. 10713 પ્રેગ્નેસી રીલેટેડ કેસના નિવારણ કર્યા છે. જ્યારે કોરોનાને કારણે ગત એપ્રિલ મે માસ 108 ની ટીમો ચોવીસેય કલાક સતત દોડતી જાેવા મળી હતી અને 2101 દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિલમાં પહોંચાડ્યા હતા. આ ઉપરાંત હાઈફીવરના 393 સહિત જુદા જુદા દર્દોના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડી સુંદર કામગીરી કરી હતી. જેમાંથી ગંભીર જણાતા 4257 દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડીને તુરંત સારવાર અપાતા તેઓને નવજીવન મળ્યું હતું. આમ એક વર્ષ દરમિયાન કોરોના કાળમાં 108 ની ટીમે કરેલી કામગીરી સૌએ બિરદાવી છે.