ક્ચ્છ : 24 ફેબ્રુઆરી
આપણે માનવીઓ પરિવારમાં આવનાર નવા બાળકને વધાવવા ગર્ભ ધારણ કરેલ ભાવિ માતાનું ગર્ભસીમંત સંસ્કાર (ગોદભરાઈ)ની પવિત્ર વિધિ કરીએ છે. શું કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ પણ કરવામાં આવી હોય. હા, આ વાત છે સૌરાષ્ટ્રના હાલારી ગધેડીની ગોદભરાઈની. હાલારી ગધેડા જે ભારત દેશની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદ છે. જે સૌરાષ્ટ્ર હાલાર પંથક (જામનગર, દ્વારિકા)માં જેાવા મળે છે. હાલારી ગધેડાની સંખ્યા હવે ફક્ત ૪૩૯ બચી છ. જે હવે બિલકુલ લુપ્ત થવાને આરે છે. આ ગધેડાને બચાવવા માટે અને સંરક્ષિત કરવા માટે સહજીવન સંસ્થા-ભુજ દ્વારા હાલાર પંથકના ભરવાડ માલધારીઓ સાથે હાલારી ગધેડાના સંરક્ષણ માટે કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં ભરવાડ સમાજની બહેનોએ તેમની પરંપરા મુજબ જેમ પોતાના પરિવાર માં આંગતુક બાળકને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.