હળવદ : હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપ અને હરીનગર ગોલ્ડ સોસાયટીમાં બે રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો ગતરાત્રીના 90 હજાર રોકડા સહિત લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ઉસેડી જતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સરા રોડ પર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા કૈલાશ ગીરી ગોસ્વામી પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે ગતરાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોનાના બે ચેઈન,સોનાની છ વીંટી અને એક ચાંદીની લક્કી તેમજ 70 હજાર રોકડ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે જ્યારે આ જ સોસાયટીમાં અન્ય એક મકાનમાં પણ તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે
નિશાચરો આટલે થી ન અટકી આલાપ ટાઉનશીપમાં પણ એક મકાનને નિશાન બનાવ્યું હતું જેમાં હરેશભાઈ પરીવાર સાથે બહાર ગયા હોય ત્યારે તેઓના પણ રહેણાંક મકાનમાં ગતરાત્રીના જ તસ્કરોએ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની બુટ્ટી અને વીસ હજાર રોકડ લઈ ગયા છે
બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ જણાતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં પાછલા એકાદ અઠવાડિયાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ દિનપ્રતિદિન ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી પોલીસ તસ્કરો પર પોતાની ધાક જમાવે તે જરૂરી છે