કાલોલ : ૨૬/ફેબ્રુઆરી/૨૦૨૩
કાલોલ શહેર વિસ્તારની ગોમા નદી અને ઝીલીયા ગામની કરાડ નદીમાં ખાણખનીજ વિભાગે છાપો મારતા બે ટ્રેક્ટર ઝડપાયા: ખનન માફિયાઓ ફરાર
પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગે રવિવારે કાલોલ તાલુકા વિસ્તારમાં અચાનક છાપો મારતા બે અલગ અલગ સ્થળોએથી બે ટ્રેક્ટરો ઝડપી લીધા હતા. પંચમહાલ ખાણ ખનીજ વિભાગે પાડેલા છાપા અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે કાલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન કાલોલ નગરના સીમાડે વહે ગોમા નદીપટમાંથી ગેરકાયદેસર રીતે થતા રહેલા રેતી ખનન વિરુદ્ધ નદીપટમાં છાપો મારતા ખાણખનીજ વિભાગની ગાડી જોઈને ખનન માફિયાઓ લાપત્તા થઈ ગયા હતા જોકે ધટના સ્થળેથી બિનવારસી હાલતમાં રેતી ભરેલું એક ટ્રેકટર ઝડપાયું હતું જ્યારે વધુમાં કાલોલ તાલુકાના ઝીલીયા પંચાયત હદવિસ્તારની કરાડ નદીમાં પણ બેફામપણે થતા રહેલા રેતી ખનન અંગેની રજૂઆતોને પગલે ખાણખનીજ વિભાગે ઝિલિયા વિસ્તારમાં રેતી ખનન કરતા વિસ્તારમાં છાપો માર્યો હતો એ સમયે ત્યાં પણ રેતી ખનન કરનારા ઈસમોએ ખાણ ખનીજ વિભાગની ગાડી જોતા નદીપટમાંથી ફરાર થઈ ગયા હતા પરંતુ ત્યાંથી પણ એક બિનવારસી હાલતમાં ટ્રેક્ટર ઝડપાયું હતું.
આમ બન્ને સ્થળોએથી ખાણખનીજ વિભાગે બિનવારસી હાલતમાં બંને ટ્રેક્ટરોને જપ્ત કરી લઈને હાલ અજાણ્યા ટ્રેક્ટર ચાલકો અને ટ્રેકટર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારી હિતેશભાઈ રામાણી દ્વારા ટ્રેક્ટરોના માલિકો અને ખનન કરેલ જગ્યાની ખનન માપણી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેને પગલે કાલોલ વિસ્તારના ખનન માફિયાઓમાં હડકંપ મચી ગયો છે.
અહેવાલ મયુર પટેલ કાલોલ