અંબાજી : 18 જાન્યુઆરી
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ કાળી દાસ મિસ્ત્રી ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ ના નેતૃત્ત્વ હેઠળ વ્યાજ ના વિષ ચક્ર માં ફસાયેલ ગરીબ લોકો માં જાગૃતિ લાવવા બાબતે લોક દરબાર નું આયોજન કરાયું હતું.
જેમાં હાલ માં સમગ્ર ગુજરાત માં ઊંચા વ્યાજે પૈસા ધિરી લોકો ને હેરાન પરેશાન કરતા વ્યાજ વટાવ નો ધંધો કરતા લોકો ને લીધે ઘણા લોકોએ આત્મહત્યા જેવા કૃત્યો કરવા મજબૂર બન્યા છે ત્યારે વ્યાજ ના વિષ ચક્ર માંથી બહાર લાવવા ગુજરાત પોલીસ હવે લોકો ને આવા ગેર કાનૂની ધંધા કરતા લોકો ને સામે લાવવા માટે અપીલ કરી રહી છે . જ્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં થી મળેલ ફરિયાદો ને આધારે ૩૫ લોકો પર આવી રીતે નાણાં ધિરવા તેમજ ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરવા અને માનસિક ત્રાસ આપવા બાબતે એફ.આઇ આર.નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વધુ માં મળેલ ફરિયાદ મુજબ નાણાં ધિરનાર લોકો પાસે ગરીબ લોકો ના પૈસા ની અવેજી માં તેમની જમીન, મિલકત,દુકાન વગેરે ના દસ્તાવેજો , કોરા ચેક – કાગળ પર લીધેલ સહીઓ સહિત ના દસ્તાવેજો ને પણ કોર્ટ મારફતે કાર્યવાહી કરી પરત આપવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે અંબાજી ગામ માં પણ આવા દુષણો છાને – છાપને ફૂલ્યા – ફાલ્યા છે જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકો ને આગ્રહ કરવામાં આવ્યો છે કે જે પણ લોકો આવી હેરાનગતિ વેઠી રહ્યા હોય તેઓ પોલીસ ને આ બાબતે જાણ કરે અને આવા વ્યાજખોરો ને સામે લાવવા સહાય કરે જેથી કરી ને કોઈ ગરીબ વ્યક્તિ પૈસા ને લીધે પોતાની માલ – મિલકત કે જીવ ખોવો મજબૂર ના બને તેમજ એવા વ્યક્તિ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે તેવો ભરોસો જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વ્યાજ ના વિષચક્ર માં ફસાયેલ અંબાજી ની એક મહિલા દ્વારા વ્યાજખોરો ના ત્રાસ ને લીધે ફિનાઇલ પી ને આત્મહત્યા કરેલ હતી , અને હજુ પણ કેટલાય ગરીબ લોકો આવા વ્યાજખોરો નો ત્રાસ વેઠી રહ્યા છે .