કાલોલ: 28 ડિસેમ્બર
પંચમહાલ ગોધરાના સામાજિક કાર્યકર અને આરટીઆઇ એકટીવિસ્ટ એવા એક ધારાશાસ્ત્રી ગોપાલભાઈ પટેલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં વેજલપુર પોલીસ સ્ટેશનના દાયરામાં અને ગોધરા તાલુકા વિસ્તારની એક ગ્રામ પંચાયતના વિકાસના કામમાં છેતરપીંડી અને બનાવટી પુરાવા આચરવાના ગુના હેઠળ જે તે સમયે ૩૭ ઈસમો વિરૂદ્ધ લેખિત ફરિયાદ આપી હતી
એ સમયે વિલંબથી માત્ર પાંચ વ્યક્તિઓના નિવેદનો પૂરતી માહિતી આપીને ઉપરી અધિકારીના હુકમનો પણ ભંગ કરતા છેવટે ફરિયાદીએ રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ કરતાં રાજ્ય માહિતી આયોગે માહિતી અધિકાર હેઠળ પંચમહાલ જિલ્લા વડા પોલીસનું ધ્યાન દોરીને વેજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈની ફરજની વિગતો સહિત આગામી દિવસોમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં હાજર રહેવા નોટિસ જારી કરતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. આમ પારદર્શક લોકશાહીમાં પ્રજા પાસે કાયદાનું પાલન કરાવનાર પોલીસ પોતે જ કાયદાપાલનમાં ઇરાદાપૂર્વક ગફલત કે ઢીલાશ કરે તો કાયદો કોઈને છોડતો નથી એવું જ્વલંત ઉદાહરણનો દાખલો જોવા મળ્યો છે.