કાલોલ: 13 ડિસેમ્બર
કાલોલ તાલુકાના વ્યાસડા ગામની સીમમાં સોમવારે સવારે નવ દશ વાગ્યાના સુમારે સીમમાં કોતર વિસ્તારમાં વસવાટ કરતા ૭૫ વર્ષિય રતનસિંહ શિવાભાઈ પરમાર તેમના ખેતરમાં ઘાસચારો કાપીને ઘાસચારો માથે ઊંચકીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા એ સુમારે સામેથી આવતા એક જંગલી ભુંડે વૃદ્ધ ખેડૂત પર હુમલો કરીને ઘાસચારાના ભારા સાથે પટકીને વૃદ્ધના શરીરને બચકાં ભરીને આક્રમક હુમલો કરી દીધો હતો. જેથી ભુંડના હુમલાથી ભયભીત બનેલા વૃદ્ધ ખેડૂતોની ચીસોથી પરિસ્થિતિ પામીને તેમના ભાઈ રમણભાઈ શિવાભાઈ પરમાર અને ભત્રીજો શૈલેષભાઈ રમણભાઈ પરમાર બન્ને બચાવમાં દોડી ગયા હતા અને ભુંડને ભગાવવા માટે હાકોટા પાડી રહ્યા હતા. પરંતુ ખુંખાર બનેલા ભુંડે ભત્રીજા પર પણ હુમલો કરીને આક્રમક બની ભાઈ ભત્રીજાને પણ બચકાં ભરી લીધાં હતા. ભુંડના હુમલાની ઘટના અંગે બુમરાણ મચાવતા આસપાસના ખેતરોમાં કામ કરતા અન્ય ખેડૂતોએ દોડી આવીને બધા ખેડૂતોએ મળીને હાકોટા પાડીને યેનકેન પ્રકારે ભુંડને ભગાવ્યો હતો. આમ જંગલી ભુંડના હુમલાનો ભોગ બનેલા ૭૫ વર્ષિય રતનસિંહ શિવાભાઈ પરમારના પેટનો ભાગ ફાડી ખાધો હોવાને કારણે ફસડાઈ પડ્યા હતા, જ્યારે બચાવમાં ગયેલા તેમના ભાઈ- ભત્રીજાને પણ હાથ પગે બચકાં ભરી લેતા બન્ને ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગામલોકોએ ઘટના સ્થળે દોડી જઈને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી તાત્કાલિક અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.