કાલોલ: 6 નવેમ્બર
કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકની આગામી ૫ ડિસેમ્બર યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને કાલોલ વિધાનસભા બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારી અમિતા પારઘી(નાયબ કલેકટર-ગોધરા)ની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાલોલ મામલતદાર, કાલોલ તાલુકા વિકાસ અધિકારી, ઘોઘંબા મામલતદાર, ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી, કાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષી આગોતરા આયોજન ભાગરૂપે ઇવીએમ મશીનો, આદર્શ આચારસંહિતા, ચુંટણી સાધન સામગ્રી, સભા સરઘસ અને રેલીઓ માટે પરવાનગી, પોસ્ટલ બેલેટની કામગીરી, મતદાન જાગૃતિ અને મતદાન મથકોના સ્ટાફ તૈયાર કરવાની કામગીરી સહિત વિવિધ કામોની વહેંચણી કરી જવાબદાર અધિકારી નક્કી કરવામાં આવ્યા હતા.
તદ્ઉપરાંત આ વખતે મતદાન મથકો ઉપરાંત અવસર રથ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન, સખી મતદાન કેન્દ્રો, યુવા મતદાન કેન્દ્રો અને દિવ્યાંગ મતદારો માટે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની પણ સમીક્ષા અને વહેંચણી કરી પુર્વ તૈયારીઓ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોને પ્રચાર પ્રસાર માટે રેલી, સરઘસ, જાહેરસભા, વાહનો, લાઉડસ્પીકર અને હેલીપેડ સહિતની પરવાનગી મેળવવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે જ્યાં દરેક પક્ષકારોએ ૪૮ કલાક પુર્વે એક જ જગ્યાએથી પરવાનગી લેવાની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી ચુંટણીતંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી.