કાલોલ: 31 ઓક્ટોબર
કાલોલ તાલુકાના ખંડોળી અને બેઢીયા ખાતે આવેલા જલારામ મંદિરોમાં બાપા ૨૨૩મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. કાલોલ તાલુકાના ખંડોળી ગામે આવેલા સુપ્રસિધ્ધ જલારામ બાપાનું મંદિર કાલોલ તાલુકા ઉપરાંત હાલોલ તેમજ સાવલી તાલુકા પંથકના અનેક ગામોના ભક્તજનોની આસ્થાનું ધામ છે, જેથી ત્રણેય તાલુકાના ભાવિ ભક્તોને ધ્યાનમાં રાખીને પાછલા એક સપ્તાહથી બાપ્પાની જન્મજયંતીની ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ આદરી હતી. પાછલા બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીના પ્રભાવને કારણે સોશિયલ ડિસ્ટન્સને કારણે સિમિત રીતે ઉજવણી કરવામાં આવી હતી પરંતુ ચાલુ વર્ષે રાહત રહેતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની તૈયારીઓ સાથે સ્વયંસેવકો તૈયાર થઈ ગયા હતા.
ખંડોળી સ્થિત જલારામ બાપાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચાલુ વર્ષની જલારામ જયંતિ ભવ્ય ઉજવણી સ્વરૂપે મંદિરમાં પુષ્પોની રંગોળી સહિત સુશોભિત બનાવી રવિવારે સુપ્રસિદ્ધ મંદિર ખાતે એક લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદી માટે ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખંડોળીધામ ખાતે જલારામ બાપાના સદાવ્રતના મહિમાસભર આ વર્ષે ૧૦૦ મણ બુંદી, ૧૨૫ મણ ચોખા, ૩૦ મણ દાળ, ૨૫ મણ ગાંઠિયા અને ૮૫ મણ શાકની મહાપ્રસાદી તૈયાર કરવામાં આવી હતી.
આટલી મોટી સંખ્યામાં મહાપ્રસાદીના આયોજન અને વિતરણ માટે ખંડોળી, ડેરોલગામ, સમા, શામળદેવી અને ગિરધરપુરી ગામના સેવાભાવી સ્વયંસેવકોએ તેમની સેવાઓ આપી હતી. જ્યારે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર સહિત તાલુકા પંચાયતના સદસ્યોએ પણ જલારામ બાપાની આસ્થાએ ટ્રસ્ટીઓ સાથે સેવાકાર્યોમાં ઉપસ્થિત રહીને પોતાની સેવાઓ આપી હતી. તદ્ઉપરાંત બેઢિયા સ્થિત જલારામ મંદિર ખાતે અંદાજીત પંદર હજાર જેટલા ભાવિકોએ સદાવ્રતનો લાભ લીધો હતો.