પાટણ : 16 ઓક્ટોબર
પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી આનંદ સરોવર અને કેનાલમાં ઠાલવવામાં આવતા આજુબાજુની સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. જેના પ્રત્યાઘાત રૂપે આજે ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ બે ટ્રેક્ટર ભરી ગાયત્રી મંદિરથી નગરપાલિકા સુધી રેલી યોજી પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ગેરહાજરીમાં ઓએસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમયે મહિલાઓએ નગરપાલિકાના નિષ્ફળ સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતા. તો કામમાં બેદરકારી દાખવા બદલ નગરસેવક ભરત ભાટિયાએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો સામે ફરિયાદ નોંધાવવા અરજી આપી છે.
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલી કર્મભૂમિ સોસાયટી તેમજ આજુબાજુની અન્ય સોસાયટીઓના ગટરના ગંદા પાણી સ્ટ્રોંમ વોટર પાઇપલાઇનમાં નાખી નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી કેનાલમાં તથા આનંદ સરોવરમાં ઠલાવવામાં આવે છે આ દૂષિત પાણીથી સોસાયટીના રહીશો તથા શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે વારંવાર રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવતા દૂષિત પાણીની દુર્ગંધ થી ટ્રસ્ટ બનેલ મહિલાઓએ નગરપાલિકાના નિષ્ફળ સત્તાધીશો સામે રણચંડી નું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં મહિલાઓએ બે ટ્રેક્ટર માં નગરપાલિકા સુધી રેલી યોજી હતી. પરંતુ જવાબદાર પદાધિકારીઓ હાજર ન મળતા ઓએસ ની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો.
આ સમયે ધારાસભ્યએ નગરપાલિકાના એન્જિનિયર અને આનંદ સરોવરમાં ઊગી નીકળેલ વેલ દૂર કરવા કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરને બોલાવી આનંદ સરોવરમાં ફેલાયેલ ગંદકીની સમસ્યા તાકીદે ઉકેલવા સૂચનો કર્યા હતા.
ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો એક સપ્તાહમાં ભૂગર્ભટ્ટનનું આ પાણી બંધ કરાવવો નહીં આવે તો આ દૂષિત પાણીના કેરબા અને પીપડા ભરી નગરપાલિકામાં લાવવામાં આવશે અને આજની રેલી કરતાં પણ વધુ મહિલાઓ એકઠી થઈ આ દૂષિત પાણીથી પ્રમુખ સહિતના સત્તાધીશોને સ્નાન કરાવશે
ધારાસભ્યની આ રજૂઆતને પગલે એન્જિનિયર દ્વારા ગટરનું દૂષિત પાણી ઠાલાવવાનું બંધ કરવાની સૂચનાઓ અપાઈ હતી જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આનંદ સરોવરમાંથી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.