પાટણ: 13 ઓક્ટોબર
રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.14 અને 15 ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં તા.14 ઓક્ટોબરનાં રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની પુર્વતૈયારીનાં ભાગરૂપે આજરોજ નવા શાકમાર્કેટ એ.પી.એમ.સી. પાટણ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં દરવર્ષે સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકોને લાભ મળી રહે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવે છે. આ વર્ષે તા. 14 ઓક્ટોબરનાં આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાનાં અનેક લાભાર્થીઓ લાભ મળશે. આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ 41 વિભાગની સરકારી યોજનાઓ સહાય આપવામાં આવશે.
પાટણ જિલ્લામાં 14 ઓક્ટોબરનાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના (રાજ્યકક્ષાના) મંત્રી આર.સી.મકવાણાનાં અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળાનું આયોજન એ.પી.એમ.સી. શાકભાજી માર્કેટ ખાતે કરવામાં આવ્યું છે આ ગરીબ કલ્યાણ મેળાની પુર્વતૈયારીનાં ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં બેઠકમાં વિવિધ યોજનાઓની સંલગ્ન કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓને જરુરી સૂચનો કર્યા હતાં. સ્ટેજ કાર્યક્રમ થી લઇને કિટ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા અને સ્વચ્છતા તમામ કાર્યો સુચારુ રૂપે થાય તે અંગે સુચન કરવામાં આવ્યું હતુ અને ગરીબ કલ્યાણ મેળામાં અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા પણ કરાઈ હતી.
આજ રોજ આયોજીત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, અધિક જીલ્લા કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ભરતભાઈ જોશી તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.