સુરેન્દ્રનગર : 3 ઓક્ટોબર
ભૃગુપુર ગામે 71 વર્ષ જૂની પરંપરા સાતમ અને આઠમ ભવાઈ રમાશે
પાણશીણામાં 153 જૂની પરંપરા નવરાત્રિના 7 દિવસ ગરબા આઠમથી દસેરા સુધી જાતર
દેશમાં નવરાત્રિના નવ દિવસ નવદુર્ગા માતાજીની આરાધના કર્યાં બાદ દસેરાએ આસુરી વૃત્તિનો નાશ કરી રાવણ દહન કરવામાં આવે છે. પરંતુ ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં 71 વર્ષ જૂની પરંપરા મુજબ દસેરાએ નહીં પરંતુ નોમના દિવસે અને લીંબડીના પાણશીણા ગામે 153 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અગીયારસે રાવણવધ કરવામાં આવે છે.
ચુડા તાલુકાના ભૃગુપુર ગામે નવરાત્રિમાં સાતમા નોરતે અંબે માતાજીના આશિર્વાદ મેળવી ભવાઈ રમવાની શરૂઆત કરવામાં આવે છે. આઠમની સવાર સુધી 35થી વધુ લોકો અલગ વેશભૂષા અને અલગ કિરદારમાં ભવાઈ રમી માતાજીની ભક્તિ કરે છે. નવમાં નોરતે સવારે ગ્રામજનો રાજપૂત ફળીની ગરબીમાં ભેગા થાય છે. ગામમાંથી એક વ્યક્તિને રાવણ જ્યારે એક વ્યક્તિને રામ બનાવવામાં આવે છે. રાવણનો વેશ ધારણ કરેલ વ્યક્તિ બન્ને હાથમાં વાંસનો ધોકા આપવામાં આવે છે. જે લોકો બિમારીથી પીડાતા હોય તે રાવણ પાસે જાય છે. રાવણ તે વ્યક્તિને વાંસનો ધોકો ફટકારે છે. ગ્રામજનોની માન્યતા મુજબ રાવણ જેને વાંસનો ધોકો મારે છે તેની બીમારી દૂર થઈ જાય છે. જે લોકોને આખું વર્ષ સાજા નરવા રહેવુ હોય તે પણ રાવણના હાથે વાંસના ધોકાનો સ્વાદ ચાખે છે. ત્યારબાદ બ્રાહ્મણ માંડવી નજીક રામના હાથે રાવણનો વધ કરવામાં આવે છે. રાવણ સંહાર બાદ ગ્રામજનો રાવણની શોકવિધી પણ કરે છે.
લીંબડીના પાણશીણા ગામે નવરાત્રિમાં એકમથી સાતમાં નોરતા સુધી બહુચરમાના મંદિરના ચોકમાં મહિલાઓ દ્વારા ગરબા ગાવામાં આવે છે. આઠમથી દસેરા 3 દિવસ સુધી માતાજીની જાતર (ખેલ) રમાય છે. જેમાં જય ચિત્તોડગઢ, પૃથ્વીરાજ ચૌહાણ, દ્રોપદી વસ્ત્રાહરણ, વિર શિવાજી સહિતના ડ્રામા રમાય છે. અગીયારસે ગ્રામજનો સવારથી બહુચરમાંના ચોકમાં ભેગા થયા છે. યુવાનો હાથમાં લાકડીઓ લઈને આવે છે મંડળના સભ્યો રામ, લક્ષ્મણ, હનુમાનજી અને રાવણને તૈયાર કરી ચોકમાં લાવે છે. ત્યારબાદ લાકડી લઈને આવેલા યુવકો રામ અને રાવણ એમ બે જૂથમાં વહેંચાઈ જાય છે. પછી રામ અને રાવણ વચ્ચે આડી લાકડીઓ રાખી બન્ને વચ્ચે ભયંકર યુધ્ધ ખેલાય છે.
રસ્તાની બન્ને બાજુ ઉભેલા લોકો મારો રાવણને મારો અને જય શ્રીરામ જેવા સુત્રોચ્ચાર કરીને રામના સૈન્યનો પાનો ચઢાવે છે. રામના હાથે રાવણનો વધ કરવામાં આવે છે. 153 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાણશીણામાં અગીયારસે રાવણ દહન કરવાને બદલે રાવણવધ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે છે.