મોરબી: 1 ઓકટોબર
જાણીતા ફિલ્મી કલાકારો જનક ઝાલા, નીરવ બ્રહ્મભટ્ટ, આર્યન બારોટ સહિતના કલાકારો ધૂમ મચાવશે
માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ દરમિયાન હળવદ પંથકમાં તમામ પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રંગત જામી રહી છે. ત્યારે હળવદ પોલીસ પરિવાર આયોજિત ગરબી ભારે રંગત જમાવી રહી છે. તેથી હળવદમાં પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો પધારશે.જેમાં જાણીતા ફિલ્મી કલાકારો જનક ઝાલા, નીરવ બ્રહ્મભટ્ટ, આર્યન બારોટ સહિતના કલાકારો ધૂમ મચાવશે.
હળવદ પંથકની તમામ પ્રાચીન ગરબીમાં માતાજીની ભક્તિનો રંગ ઘુંટાતો જાય છે. ત્યારે પ્રજાની જાનમાલની રક્ષા કરતા તેમજ હાલ નવરાત્રી મહોત્સવની દરેક ગરબીમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા સમગ્ર હળવદ પોલીસ સ્ટાફ દ્વારા પોતાની ફરજ નિષ્ઠા યોગ્ય રીતે નિભાવવાની સાથે માતાજીની ભક્તિ પણ કરવામાં આવી રહી છે. હળવદ શહેરમાં પોલીસ લાઈન ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૈલૈયાઓ મન મુકીને રાસ ગરબે રમી રહ્યા છે. આ ગરબીમાં મોટા મોટા કલાકાર આવતા હોવાથી ભારે જમાવટ કરી રહી છે. ત્યારે આજે છઠા નોરતે હળવદની આ પોલીસ પરિવાર આયોજિત ભવ્ય ગરબીમાં ગુજરાતી અર્બન મુવીના કલાકારો જનક ઝાલા, નીરવ બ્રહ્મભટ્ટ, આર્યન બારોટ સહિતના કલાકારો આજે આવશે અને ખેલૈયાઓને મનોરંજન પૂરું પાડશે. જ્યારે હળવદમાં અગાઉ પીઆઇ તરીકે ફરજ બજાવી ગયેલા એમ.આર. સોલંકીએ જે તે સમયે પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ શરૂઆત કરવાની પહેલ કરી હોય આજે તેઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે.