પાટણ : 1 ઓક્ટોબર
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે ગતરોજ સાંજના સુમારે પ્રેમ પ્રકરણની જૂની અદાવતમાં ત્રણ ઈસમોએ
મોટાભાઈ ની નજર સમક્ષ નાના ભાઈનેધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારતા ગામમાં સનસની મચી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે ગત નવરાત્રીમાં યુવક યુવતી વચ્ચેના પ્રેમ સંબંધની અદાવત રાખીને યુવતીના પરિવારજનોએ યુવકના પિતા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના ગતરોજ સાંજે ધનોરા ગામે બનવા પામી છે.
ધનોર ગામે રહેતા આંબુભાઈ નાડોદા અને તેમના મોટાભાઈ બંને જણા પોતાના ઘરેથી ટ્રેક્ટર લઈને દાંતીસણા ગામની સીમમાં ભાગડી નામથી ઓળખાતા ખેતરમાં ખેડ કરવા ગયા હતા અને ખેડનું કામ કરી સાંજના સુમારે ટ્રેક્ટરમાં ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના જ ત્રણ ઈસમોએ હાથમાં ધારીયા લઈ દાંતીસણા ગામે રોડ પર આડે આવી ટ્રેક્ટર ચાલકને નીચે ઉતારી તેની સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ હાથે,પગે ધારિયાના ઉપરાછાપરી ઘા મારતા ટ્રેક્ટર ચાલક જમીન ઉપર લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો આ જોઈ ટ્રેક્ટર પર બેઠેલ તેનો મોટો ભાઈ દોડી આવ્યો હતો ને બૂમાબૂમ કરતા ત્રણેય ઈસમો નાસી છૂટ્યા હતા આ બનાવને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે ઇજાગ્રસ્તને શંખેશ્વર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી. આ ઘટનાની જાણ થતા શંખેશ્વર પોલીસ પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આ બાબતે મૃતકના મોટાભાઈ દાનાભાઈ ભગવાનભાઈ સિંધવ ક (નાડોદા)એ 1 હમીરદાન શંકરદાન ગઢવી,2 લક્ષ્મણદાન શંકરદાન ગઢવી અને3 ફૂલદાન આવડદાન ગઢવી રહે .ત્રણેય ધનોરા વાળાઓ સામે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શંખેશ્વર પીઆઇ ડી ડી ચૌધરીએ જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉની પ્રેમ સંબંધની અદાવતમાં ત્રણ ઈસમોએ યુવકના પિતા ઉપર હુમલો કરી હત્યા કરી છે જે અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી શંખેશ્વર પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ગામમાં હાલ શાંતિ છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે