સુરેન્દ્રનગર : 28 સપ્ટેમ્બર
બોગસ ડોક્ટરોને ઝડપી તેમની સામે કડક કાર્યવાહી કરવાની લોકો માગ
બોગસ ડીગ્રી વગર ના ડોક્ટર બેફામ બીલ વગરની દવાનું વેચાણ કરતા હોવાની રાવ
લીંબડી-ચુડા તાલુકાના અનેક ગામોમાં ડિગ્રી વગરના ઘોડા ડૉક્ટરો દવાખાનાનાં નામે હાટડીઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની રાવ ઉઠી રહી છે. ગ્રામજનોની શારીરિક ખામીઓ અને મજબૂરીનો ગેરલાભ ઉઠાવનાર બોગસ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરવા લોકો માગ ઉઠી છે.
લીંબડી અને ચુડા તાલુકાના અનેક અંતરિયાળ ગામોમાં ડિગ્રી વગરના ઘોડા ડૉક્ટરો દવાખાનાનાં નામે પોત-પોતાની હાટડીઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની રાવ ઉઠવા પામી છે. લીંબડી તાલુકાના રાણાગઢ, નાની-મોટી કઠેચી, પરનાળા, પરાલી, બળોલ સહિત ગામો ચુડા તાલુકાના જોબાળા, ભૃગુપુર, કોરડા સહિત અન્ય ગામોમાં બિલાડીની ટોપની જેમ ઉગી નીકળેલા અનેક બોગસ ડૉક્ટરો લોકોની શારીરિક ખામીઓ અને મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરો મન થાય એવાં ભાવે દર્દીઓને એલોપેથિ દવાઓ આપી રહ્યા છે. ભોળા દર્દીઓને દર્દના નામે બોટલો ચડાવી દે છે. લીંબડી અને ચુડા તાલુકાના અમુક ગામોમાં તો ઘોડા ડૉક્ટરો સર્જિકલ કામ કરતા પણ ખચકાતા નથી. બોગસ ડૉક્ટરોએ આપેલ દવાઓની આડઅસર શરૂ થાય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોના ભોળા લોકોને એમની કપટલીલાની ખબર પડે છે. આરોગ્ય વિભાગ કે એસઓજી ટીમ દ્વારા ડિગ્રી વગરના ઘોડા ડૉક્ટરોને ઝડપી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
અનેક ઘોડા ડૉક્ટરો પકડ્યા પરંતુ અઠવાડિયામાં તો તેઓ ફરી હાટડી ખોલી નાખે છે. જયમિન ઠાકર. હેલ્થ ઓફિસર. લીંબડી
ભુતકાળમાં રાણાગઢ, પરાલી, બળોલ સહિત ગામોમાં અનેક બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા. પરંતુ અઠવાડિયામાં તો આ ઘોડા ડૉક્ટરો ફરી પાછા હાટડીઓ ખોલી નાખે છે. ગ્રામીણ વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. દર્દીઓએ પોતાની રીતે સમજીને આ ઠગો પાસે સારવાર લેવા જવાનું બંધ કરી દેવું જોઈએ. આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેવી જોઈએ.
જામીનપાત્ર ગુનો હોવાથી ઘોડા ડૉક્ટરો વારંવાર ગુનો કરતા હોય તેમ લાગે છે.
લીંબડી અને ચુડા તાલુકામાં અનેક બોગસ ડૉક્ટરો ઝડપાઈ ચૂક્યા છે. પરંતુ જામીનપાત્ર ગુનો હોવાથી આવા ઘોડા ડૉક્ટરોને ગણતરીની કલાકોમાં છૂટકારો મળી જાય છે. એકને એક ડિગ્રી વગરનો પકડાયેલો ડૉક્ટર ફરીવાર પણ પકડાયો હોય તેવા અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરો સામે કડક કાયદો બનાવી સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.