રાજકોટના શખસે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં છરી હુલાવી દેતાં મોત નિપજ્યું હતું..
વિદ્યાનગરમાં સાત વરસ પહેલા ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં ચાર શખસે બે વિદ્યાર્થીને આંતરી મારમાર્યા બાદ તેમાંથી એક વ્યક્તિએ વિદ્યાર્થીને છરી મારી દેતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે કોર્ટે છરી મારનાર આરોપીને આજીવ કેદની સજા ફટકારી હતી.
વિદ્યાનગરમાં અભ્યાસ કરતાં કૌશલકુમાર નરેન્દ્રસિંહ મહિડા અને તેનો મિત્ર વિપુલ કાનજીભાઇ ગોહિલ 31મી ડિસેમ્બર,2014ના રોજ સવારના 10-30 વાગ્યે ટુ વ્હીલર પર કોલેજ ગયાં હતાં. બાદમાં ઘરે પરત ફરતા સમયે વિદ્યાનગર યુનિવર્સિટી સર્કલ નજીક સફેદ કારે તેમને આંતર્યાં હતાં અને સાઇડ લાઇટ બતાવી વળી ગયો તેમ કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડો ઉગ્ર બની ગયો હતો. જેમાં એક શખસ ચપ્પુ વિંઝવા લાગ્યો હતો. જેમાં વિપુલને ચપ્પાનો ઘા વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો અને ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યો હતો. આ દૃશ્યો જોઇ અન્ય વિદ્યાર્થી પણ દોડી આવતાં કારમાં સવાર પાંચ વ્યક્તિ ગભરાયા હતાં અને ત્યાંથી ભાંગ્યાં હતાં. આ દરમિયાન કારનો નંબર મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, વિપુલને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા મૃત્યું નિપજ્યું હતું.
આ અંગે વિદ્યાનગર પોલીસે બ્રિજરાજસિંહ લખધિરસિંહ જાડેજા, હરપાલસિંહ કિશોરસિંહ જાડેજા (બન્ને રહે. હળમતીયા જંકશન, જિ. રાજકોટ), ક્રિપાલસિંહ વનરાજસિંહ રાણા (રહે.ગેડી દરબારગઢ, સુરેન્દ્રનગર), ઇરસાદખાન બસીરખાન બલોચ (રહે.માવૈયા, જિ. રાજકોટ), પ્રતિપાલસિંહ ઇન્દ્રસિંહ રાણા (રહે. ગેડી દરબારગઢ, જિ. સુરેન્દ્રનગર) સામે ગુનો નોંધી જરૂરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.
આ કેસમાં ન્યાયધિશે બ્રિજરાજસિંહ જાડેજાને હત્યાનો આરોપી ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા અને રૂ.અઢી હજાર દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ ફરવામાં આવ્યો હતો. અલબત્ત, અન્ય ચાર વ્યક્તિને આ કેસમાં નિર્દોષ છોડવામાં આવ્યાં હતાં.