બોરસદ તાલુકામાં એનઆરઆઈ ગામ ગણાતા ભાદરણ માં નવી પહેલ રૂપે સાડી બેંક શરૂ કરવામાં આવી છે. ભાદરણમાં કંકુબા પુસ્તકાલય ખાતે આ સાડી બેંકનું બોરસદના મામલતદાર આરતીબેન ગોસ્વામીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સાડી બેંક ના નવીનતમ પ્રયોગ દ્વારા સામાજિક અને શુભપ્રસંગોમાં મહિલાઓને પહેરવા માટે વિનામૂલ્યે સાડીઓ આપવામાં આવશે.
ભાદરણ ગામમાં જિલ્લાની નવીનતં પ્રયોગ રૂપે સામાજિક શુભપ્રસંગોમાં ગરીબ અને મધ્યમવર્ગીય મહિલાઓના પ્રસંગ ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્યથી સાડી બેંકની સ્થાપના કરવામાં આવી છે. જેના થકી મહિલાઓને શુભપ્રસંગોમાં વિનામૂલ્યે પોતાને મન ગમતી સાડી પરિધાન કરવાની મળશે.સામાન્ય સમજ મુજબ બેંક શબ્દ કાને પડતા જ આર્થિક વ્યવહારનું સ્થાન એમ જણાય.જ્યારે અહીં ગરીબ મધ્યમવર્ગની મહિલાઓ માટે ભાદરણના ગ્રામજનો અને એનઆરઆઈ દાતા દ્વારા અનોખી સાડી બેંકની સ્થાપના દ્વારા સાડી ની લેવડ દેવડ કરવામાં આવશે.મહિલાઓ સાડીનો ઉપયોગ કરીને તેને વોશ કરી પરત આપવાની રહેશે.
મહત્વનું છે કે કોરોનાના કપરાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી સામાન્ય કુટુંબો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. તેમાં પણ કુટુંબ કે ઘરમાં કોઈ શુભપ્રસંગ આવે તો ખર્ચ ઉપર કાપ મુકવો ખૂબ અઘરો બની જતો હોય છે.આવા પ્રસંગોમાં મહિલાઓ માટે દરેક પ્રસંગ અનુરૂપ સાડી મહત્વનું સ્થાન ધરાવે છે. આ નવીનતમ પ્રયોગ દ્વારા હવે શુભપ્રસંગોમાં મહિલાઓને નવી સાડી લઈને ખોટા ખર્ચ કરવાની જરૂર પડશે નહીં અને મહિલાઓ શુભપ્રસંગોમાં પોતાની મનગમતી સાડી વિનામૂલ્યે પહેરી શકશે.ભાદરણમાં સ્થાપવામાં આવેલ સાડી બેંકના ઉદ્ઘાટન પ્રસંગે જૈમિનીબેન પટેલ,સરપંચ ઉદયભાઈ પટેલ,ઉપસરપંચ યોગેશભાઈ પટેલ,સંસ્થાના મંત્રી નેહાલીબેન પટેલ,નિશાબેન ત્રિવેદી સહીત મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોરસદ, આણંદ