બોરીયાવી નગરપાલિકાના કર્મચારીએ પાણી ઢોળવા બાબતે એક પરિવારને જાતિ વાચક અપમાનિત શબ્દો કહેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે પાલિકાના કર્મચારી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(બોરીયાવી નગરપાલિકા, આણંદ)
બોરીયાવી ગામે રહેતા અને આણંદની ખાનગી હોસ્પિટલમાં કામ કરતાં દરિયાબહેન ઉર્ફે હંસાબહેન દિનેશભાઈના દિયર રાજેશભાઈ રાવજીભાઈ 17મી ડિસેમ્બરના રોજ રીક્ષામાં પાણી નાંખી ધોતા હતાં. આ સમયે ત્યાંથી પસાર થતાં બોરિયાવી પાલિકાના કર્મચારી કેતન ઉર્ફે પીન્ટુ અશોકભાઈ પટેલે રોડ પર પાણી કાઢવાનું બંધ કરી દેવા બાબતે ઠપકો આપ્યો હતો. જોકે, ઠપકો આપતા સમયે અપશબ્દો કહેતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં પાણી બંધ કરી દીધું હતું. આ ઝઘડામાં કેતનભાઈએ જાતિવાચક અપમાનિત શબ્દો પણ કહ્યાં હતાં અને પત્રવધુ શીલ્પાબહેનને મારમાર્યો હતો. આ અંગે દરિયાબહેને આણંદ ગ્રામ્ય પોલીસ મથકે કેતન ઉર્ફે પીન્ટુ અશોકભાઈ પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરીયાવી, આણંદ