
આજરોજ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના થાણા પીપરી ગામે ખેડુતોના ખેતરમાં મનસ્વી રીતે જેટકો કંપની દ્વારા ઉભા કરવામાં આવતા વીજ પોલ નો જોર શોરથી વિરોધ કરવામાં આવ્યો. થાણા પીપરી થી નગડીયા જતી ૬૬ કે.વી. લાઈનને ભાટીયા લિન્ક સાથે જોડવા માટે લગભગ બાર જેટલા વીજ પોલ જેટકો કંપની દ્વારા ઉભા કરવાના છે ત્યારે આ વેસ્ટ લાઈન અગાઉ ત્રણ વાર કરેલ સર્વે મુજબ સરકારી પડતર અને ખરાબાની જમીનના બદલે ખેડુતોના ખેતરમાં ચલાવવાનો મનસ્વી નિર્ણય જેટકો કંપની અને જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીએ લેતા ખેડુતોમાં રોષની લાગણી વ્યાપી છે.
કિસાન ક્રાન્તિ ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોર પટોડીયા તેમજ ખુબ મોટી સંખ્યામાં ખેડુતોએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, પરંતુ જેટકો કંપની અને જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ ની મિલીભગતથી ખેડુતો લાચાર બની પોતાની કિંમતી જમીન ગુમાવી રહ્યા છે. કિસાન ક્રાન્તિ ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોર પટોડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબ દ્વારા કોઈ પણ ખેડુતોની સંમતિ વગર પોલીસ પ્રોટેક્શન રાખી વીજ પોલ ઉભા કરવા હુકમ કરી દેવામાં આવતા પાંચ જેટલા પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે, ખરાબાની જમીનમાં વેસ્ટ લાઈન ચાલી શકે એમ હોવા છતાં કંપનીની સરળતા માટે ખેડુતોના ખેતરમાં મનસ્વી રીતે લાઈન ચલાવી રહ્યા છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં, જેટકો કંપની દ્વારા જો વીજ પોલ ઉભા કરવાનું કામ અટકાવવામાં નહીં આવે તો ખેડુતોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જણાવ્યું છે. નાના નાના સીમાંત ખેડુત માંડ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે જેટકો કંપની અને કલેક્ટર સાહેબ સાથે મળીને આ ખેડુતોને જમીન વિહોણા કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો ભારોભાર રોષે ભરાયેલા છે. જેટકો કંપની અને કલેક્ટર સાહેબની મનમાની સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે ત્યારે તાત્કાલિક અસરથી વીજ પોલ ઉભા કરવાનું કામ અટકાવવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ થશે
વૈશાલી કગરાણા
જૂનાગઢ