પંચમહાલ: ૩જાન્યુઆરી
જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ,પ્રથમ દિવસે 10 હજારથી વધુ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો..
કોરોના સામે રક્ષણ આપવા માટે ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસીકરણની સોમવારથી શરૂઆત કરવામાં આવી છે. જેનાં ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ 15 થી 18 વર્ષની વયના 68,802 બાળકોને કોવિડ વેક્સિનેશનની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. સોમવાર સાંજ સુધીમાં જિલ્લામાં 10 હજારથી વધુ બાળકોનું રસીકરણ કરાયું હોવાનો અહેવાલ જિલ્લા આરોગ્યતંત્ર તરફથી પ્રાપ્ત થયો છે. જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ઼, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમ. એમ મહેતા સ્કૂલ ખાતેથી જિલ્લાનાં બાળકોને કોરોનો સામે સુરક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીની,ઉપસ્થિતિમાં બાળકોને રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો…
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ જ હાલ એકમાત્ર ઉપાય હોવાથી લાયક ઠરતા 15 થી 18 વર્ષનાં બાળકો અને તેમના વાલીઓને વહેલીતકે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે રસી મૂકાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આજે 43 જેટલા સેન્ટરો પરથી 114 બાળકોને રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 7મી જાન્યુઆરી સુધીમાં જિલ્લાનાં કુલ 363 સેન્ટરો પરથી 314 જેટલી ટીમો 68 હજારથી વધુ બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું. આવતીકાલે 186 સેન્ટરો પરથી 23,478 બાળકોને 228 જેટલી ટીમો વેક્સિનનો પ્રથમ ડોઝ આપી સુરક્ષીત કરશે.