Home ક્રાઈમ તારાપુર : બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને ૨૦ વર્ષની સજા

તારાપુર : બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને ૨૦ વર્ષની સજા

20
0

તારાપુર:તારાપુર તાલુકાના ખડા ગામે રહેતા એક ૬ વર્ષના બાળકનું અપહરણ કરીને બળિયાદેવ મંદિર પાછળ લઈ જઈને તેના ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર ૨૫ વર્ષીય ભરવાડ યુવકને આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતાં ચકચાર મચી જવા પામી છે.

તારાપુર તાલુકાના ખડા ગામે રહેતા એક ૬ વર્ષના બાળકનું અપહરણ કરીને બળિયાદેવ મંદિર પાછળ લઈ જઈને તેના ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર ૨૫ વર્ષીય ભરવાડ યુવકને આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગેની મળતી વિગતો અનુસાર તારાપુર તાલુકાના ખડા ગામે રહેતો એક ૬ વર્ષીય બાળક ગત ૪-૯-૨૦૧૯ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે સ્કૂલે જતો હતો ત્યારે જગમાલભાઈ ઉર્ફે જગાભાઈ ભલાભાઈ ભરવાડ (ચોસલા ઉ.વ. ૨૫ રે. ખડા ભરવાડની ઝોક, તારાપુર)નો આવી પહોંચ્યો હતો અને બાળકનું રસ્તામાંથી અપહરણ કરીને ઉંચકીને નજીકમાં આવેલા બળિયાદેવ મંદિર પાછળ લઈ ગયો હતો અને ત્યાં કપડાં કાઢી નાંખીને તેના ઉપર સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય આચર્યું હતુ. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. અને ૬-૯-૧૯ના રોજ જગમાલભાઈની ધરપકડ કરી હતી અને તપાસ zપુર્ણ થયા બાદ આણંદની અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ. આ કેસ આણંદના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત સરકારી વકીલ એ. એસ. જાડેજાએ દલિલો કરતાં જણાવ્યું હતુ કે, એક છ વર્ષના બાળકનું અપહરણ કરીને તેના પર જાતીય અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. જે ભોગ બનનાર, ફરિયાદી તેમજ સાહેદોની જુબાની અને રજુ થયેલા મેડિકલ સહિતના દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે.
સમાજમાં આ પ્રકારના જધન્ય અપરાધોનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. આરોપી જગમાલભાઈએ એક નાના બાળકને પોતાની હવસનો શિકાર બનાવીને તેની જિંદગી સાથે ખીલવાડ કર્યો છે. આવા સંજોગોમાં કાયદામાં પ્રસ્થાપિત વધુમાં વધુ સજા કરવા અપીલ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૫ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જજ જી.એચ. દેસાઈએ સરકારી વકીલની દલિલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ગંભીરતાથી લઈને કુલ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૫ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ ૭ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)
(પ્રતીકાત્મક તસવીર)

કઈ-કઈ કલમમાં કેટલી સજા ફટકારાઈ

-ઈપીકો કલમ ૩૬૩માં ૪ વર્ષની સખ્ત કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા -પોક્સોની કલમ ૪માં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ સાત માસની સાદી કેદની સજા -પોક્સોની કલમ ૬માં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ૭ માસની સાદી કેદની સજા -પોક્સોની કલમ ૪ અને ૬માં સજા અને દંડ ફટકારવામાં આવ્યો હોય ઈપીકો કલમ ૩૭૭માં અલથી સજા કે દંડ કરવામાં આવ્યો નહોતો.

ભોગ બનનાર કિશોરને ૫ લાખ વળતર પેટે ચુકવવા હુકમ

ધી ગુજરાત વીક્ટીમ કંમ્પેનસેશન સ્કીમ-૨૦૧૯ સાથે વાંચતા ધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ રુલ્સ-૨૦૨૦ના નિયમ ૯ (૨) મુજબ પાંચ લાખ ભોગ બનનારને વળતર પેટે ચુકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. જો ભોગ બનનારને વળતર પેટે વચગાળાની રકમ ચુકવવામાં આવી હોય તો તે રકમ બાદ કર્યા બાદની નિયમ મુજબ રકમ મળી રહે તે હેતુ અને વિનંતી સાથે ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વીસ ઓથોરીટી આણંદ તરફ હુકમની નકલ મોકલી આપવા પણ ચુકાદામાં નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કેસની ખોટી તપાસ કરનાર પીએસઆઈ વિરૂદ્ઘ ખાતાકીય તપાસના આદેશ

છ વર્ષના બાળકનું અપહરણ કરીને તેના ઉપર સૃષ્ટિ વિરૂદ્ઘનું જધન્ય કૃત્ય આચરવાના કેસમાં તારાપુરના તત્કાલીન પીએસઆઈ કે. એમ. ચૌધરીએ ફરિયાદ પક્ષને નુકશાન થાય તે રીતે તપાસ કરી હતી. તેઓએ ભોગ બનનારનું નિવેનદ નોંધ્યું નહોતુ તેમજ ચાર્જશીટમાં પણ તેનો સાહેદ તરીકે ઉલ્લેખ કર્યો નહોતો. તેનુ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબનું નિવેદન પણ લેવામાં આવ્યુ નહોતુ. ભોગ બનનારનો જન્મનો દાખલો પણ લીધો નહોતો અને ચાર્જશીટમાં પણ રજુ કર્યો નહોતો. કોર્ટમાં જુબાની વખતે પણ તેઓએ ઉડાઉ જવાબો આપ્યા હતા જેથી એ સ્પષ્ટ થાય છે કે, તપાસ કરતા અમલદાર તરીકે કાયદા દ્વારા તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે બજાવવામાં તેઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. જેથી ભોગ બનનારની જુબાની લેવામાં આવી હતી. એટલી ભયંકર બેદરકારી દાખવી હતી કે, ફરિયાદ પક્ષનો કેસ ફેટલ સાબિત થઈ શકે તેમ હતો, જે ચલાવી ના લેવાય જેથી તેમના વિરૂદ્ઘ ખાતાકીય તપાસ કરવી જરૂરી હોય અને કસુરવાર ઠરે તો યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે માટે હુકમની એક નકલ ડીએસપી, આણંદ, રેન્જ આઈજી, અમદાવાદ તેમજ ગૃહ પ્રધાન, ગાંધીનગરને પણ મોકલી આપવા જજ જી. એચ. દેસાઈએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતુ.

Previous articleલગ્નના બે દિવસ અગાઉ પ્રેમી પ્રેમિકાને ભગાડી ગયો,દોઢ લાખનો સોદો કરી પ્રેમીકાને અન્ય જગ્યાએ પરણાવી
Next articleચારુસેટના પ્રોફેસર દ્વારા નેનોટેકનોલોજી પર પુસ્તક લોન્ચ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here