ચાંગા સ્થિત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાતો દ્વારા ઘૂંટણ- અને થાપા બદલવા માટેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ છેલ્લા 6 વર્ષથી પથારીવશ મહિલા દર્દી 10 વર્ષ પછી દુ:ખાવા વગર ચાલતા થયા હતા. આ પ્રકારનું ઓપરેશન વિવિધ હાઇટેક એડવાન્સ સેન્ટરમાં થાય છે. બહુ ઓછા તબીબો આ પ્રકારના જટિલ ઓપરેશન કરી શકે છે. જેમાં ચારૂસેટ હોસ્પિટલને સફળથા મળી છે.
ચાંગા સ્થિત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાંત ડોકટરે 6 વર્ષથી પથારીવશ એક મહિલા દર્દીનું સફળ ઓપરેશન કરી તેમને 10 વર્ષ પછી દુ:ખાવા વગર ચાલતા કર્યા હતા. ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોકટર અને હીપ-ના રીપ્લેસમેન્ટ સર્જન ડૉ. સમીર બાબરીયાએ આ સર્જરી કરી હતી. આ અંગે ડો.સમીરે જણાવ્યું હતું કે, પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં વસતા 61 વર્ષના કૈલાસબેન સુથારને સંધિવા હોવાથી સાંધાને ધસારો થયો હતો. તેમને છેલ્લા 10 વર્ષથી દુ:ખાવો થતો હતો અને ચાલી શકતા નહોતા અને 6 વર્ષથી પથારીવશ હતા. તેમનો એકેય સાંધો ચાલતો ન હોતો. આથી સાંધો અને થાપાનું ઓપરેશન કરવું પડે તેમ હતું. તેમના હાડકાં પોલા હતા અને ગળી ગયેલા હતા. વર્ષોથી ઊભા થઈ શકાતું નહોતું કે હલનચલન પણ થઈ શકતું નહોતું અને સતત દુખાવો રહેતો હતો. તેમના ઘૂંટણની કે થાપાહીપમાં કોઈ પણ પ્રકારની હિલચાલ નહોતી. તેઓએ અનેક હોસ્પિટલોમાં બતાવ્યુ હતું. પરંતુ કોઈ ફરક પડ્યો નહોતો.
આ બાદ તેઓએ ચારૂસેટ હોસ્પિટલમાં આવી જરૂરી પ્રાથમિક તપાસ અને રીપોર્ટ કરાવ્યા હતા. આ સ્થિતિમાં તેમના ઘૂંટણ અને થાપા-હીપ બદલવા જરૂરી હતા. તેમનો એક થાપો અને બે ઢીંચણ બદલવાના હતા. તેમાંથી એક ઘૂંટણની અને એક થાપા-હીપ બદલવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના થાપાનું ઓપરેશન બે કલાક અને ઘૂંટણનું ઓપરેશન દોઢ કલાક ચાલ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ દોઢથી બે લાખ જેટલો થતો હતો. પરંતુ આ દર્દીને અહી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ અંગે ડોકટરોએ જણાવ્યુ હતું કે. આ પ્રકારનું ઓપરેશન વિવિધ હાઇટેક એડવાન્સ સેન્ટરમાં થાય છે જે ચારૂસેટ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. બહુ ઓછા તબીબો આ પ્રકારના જટિલ ઓપરેશન કરી શકે છે. સફળ ઓપરેશન પછી આ મહિલા દર્દીની તબિયત સારી છે અને પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઓપરેશન સફળ બનાવવામાં એનેસ્થેટિસ્ટ, ઓપરેશન થિયેટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.