સુશાસન સપ્તાહ ઉજવણી
ગોધરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

● ખેડૂત પુત્રોને વિવિધલક્ષી યોજનાઓનાં મંજૂરી હુકમો, સહાયનાં ચેક સહિત લાભોનું વિતરણ કરાયું
● પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે પ્રગતિ-ઉન્નતિના નવા દ્વાર ખોલેશે
- જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આજે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહના ચોથા દિવસે કૃષિકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓ ને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભ, મંજૂરી હુકમો, સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું હતું કે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી હાથ ધરાઈ છે. ભારતીય સમાજ અને રાષ્ટ્રનો આધારસ્તંભ એવા ખેડૂતોનાં વિકાસ વગર સુશાસનની કલ્પના જ ન થઈ શકે અને તેથી જ સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણનાં સહિતની બહુવિધ કૃષિ વિષયક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે સરકાર દ્વારા અપાતી કૃષિ સહાયોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના શાસનમાં ખેડૂતોનું હિત સર્વોચ્ચ સ્થાને રહેશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા મળતી સહાય અને પ્રાકૃતિક ખેતીનાં ફાયદા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રસાયણોનાં વધુ પડતા ઉપયોગનાં કારણે આપણા જમીન અને અન્નની ગુણવત્તા બગડે છે ત્યારે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે અને તે ખેડૂતો માટે ઉન્નતિનાં નવા દ્વાર ખોલશે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી, હાઈડ્રોપોનિક્સ જેવા નવીન અભિગમ સાથે થતી ખેતી વિશે વાત કરતા તેમણે ખેડૂતોને જરૂર પડ્યે સરકારનાં માર્ગદર્શન પ્રયોગશીલ બનવા સરકારનાં પ્રયાસોને સમર્થન આપવા અને તે રીતે કૃષિનો વિકાસ કરવામાં, આપણી જમીન અને પર્યાવરણનાં સંવર્ધનમાં મદદરૂપ થવા વિનંતી કરી હતી. કાર્યક્રમમાં સંબોધન કરતા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ સરકારે ખેતી અને ખેડૂતોનાં વિકાસ માટે લીધેલા શ્રેણીબધ્ધ પગલાઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા કટિબધ્ધ છે અને તે માટે સતત પ્રયાસરત છે. હાલોલ ખાતે પ્રથમ ઓર્ગેનિક યુનિવર્સિટી, જિલ્લા માટે ૩૨૫ કરોડથી વધુની સિંચાઈ યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાનાં ખેડૂતો વધુ સમૃદ્ધ બને તે માટે સિંચાઈ સહિતની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રગતીશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે તેમજ પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ વિશે, આઈ-ખેડૂત પોર્ટલનાં ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

