સુરત:4 જાન્યુઆરી
એક લાખ રૂપિયાની કેપિટલ સાથે શરૂ કરેલી બિઝનેસ સફર આજે 18 કંપનીઓના રથ પર સવાર થઈ પૂરપાટ દોડી રહી છે.
‘‘મહેનત એ એવી સોનેરી ચાવી છે, જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાંખે છે. ’’ આજ પર્યંત મહેનત કરી લગાતાર સફળતાની સીઢી ચઢનારી વ્યક્તિનું ઉદાહરણ આજે આપણી સમક્ષ મોજૂદ છે. સુરતના એક સામાન્ય પરિવારમાંથી આવતા ગુલામભાઈ પટેલના એકના એક પુત્રએ સંઘર્ષ ની રાહ ઉપર અપાર સિધ્ધિઓ હાંસલ કરી છે અને આજે તે ગુજરાતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટી કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર છે. તેઓની 18 થી વધુ કંપનીઓ પૈકી બે કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. આપણે વાત કરી રહ્યાં છે કેપી ગ્રુપ ઓફ કંપનીઝના સીએમડી ફારુક ગુલામભાઈ પટેલની. ફારુક પટેલની સોલાર એનર્જી સેક્ટરમાં કામ કરતી કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અને પવનચક્કી સેક્ટરમાં કામ કરતી કેપી એનર્જી લિ. બીએસઈ લિસ્ટેડ કંપની છે. કેપીઆઈ ગ્લોબલ હાલમાં જ બીએસઈના મેઈન બોર્ડ અને નેશનલ સ્ટોક એક્ચેન્જના બોર્ડ પર માઈગ્રેટ થઈ છે. તેઓ આ કંપનીઓના માધ્યમથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 2500થી વધુ લોકોને રોજગાર પૂરો પાડી રહ્યાં છે.
કેપી ગ્રુપ આજે 542 કરોડની માર્કેટ કેપવાળું એમ્પાયર બની ગયું છે.
ફારુક પટેલે માત્ર 1 લાખ રૂપિયાની કેપિટલ સાથે 27 વર્ષ પહેલા કેપી ગ્રુપ બનાવી બિઝનેસની શરૂઆત કરી હતી પરંતુ તેઓએ અથાગ મહેનતથી હાલ કેપી ગ્રુપને 542 કરોડથી વધુના કેપિટલ માર્કેટ કેપવાળું બિઝનેસ એમ્પાયર બનાવી દીધું છે. ગ્રુપની બીએસઈ લિસ્ટેડ સિવાયની અન્ય પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું માર્કેટકેપ તેમાં અલગથી જોડી શકાય. હજી કેપી ગ્રુપ શ્રી ફારુક પટેલના માર્ગદર્શન હેઠળ લગાતાર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.
આ રીતે શરૂ થઈ ફારુક પટેલની સફર:
મૂળ ભરૂચ જિલ્લા કોઠી ગામના વતની ગુલામભાઈ પટેલની આજથી 45 વર્ષ પહેલા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી)માં કંડક્ટર તરીકે નોકરી લાગતા બે વર્ષના ફારુક પટેલને લઈને સુરત સ્થાયી થયા હતા. સામાન્ય પરિવારના પુત્ર ફારુક પટેલને પહેલાથી જ કંઈક કરી છૂટવાની તમન્ના હતી અને તેઓએ એસ.એસ.સીનો અભ્યાસ પૂર્ણ કરીને ડિપ્લોમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગ કર્યું અને વર્ષ 1994માં કેપી ગ્રુપની સ્થાપના કરી. પહેલી કંપની કેપી બિલ્ડકોન પ્રા.લિ. બનાવી. શરૂઆત નાના-મોટા બાંધકામના કોન્ટ્રાક્ટ લીધા બાદ વિવિધ કંપનીઓના મોબાઈલ ટાવર ઈન્ટોલેશનનું કામ શરૂ કર્યું. લગાતાર 13 વર્ષ ભારતના 16 રાજ્યોમાં આ કામ કર્યા બાદ ફારુક પટેલે સોલાર અને વિન્ડ એનર્જીના બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને 2008માં સોલાર એનર્જી માટે કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અને વર્ષ 2010માં વિન્ડ એનર્જી માટે કેપી એનર્જી લિ.ની સ્થાપના કરી. આજે આ બંને કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જની કેટલીક નામી લિસ્ટેડ કંપનીઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. કેપીઆઈ ગ્લોબલ તો હાલમાં જ બીએસઈના મેઈન બોર્ડ અને એનએસઈમાં માઈગ્રેટ થઈ છે. ફારુક પટેલના વડપણ હેઠળ કેપી ગ્રુપની કુલ ચાર પ્રાઈવેટ લિમિટેડ અને ત્રણ લિમિટેડ કંપની મળી કુલ 18 કંપની હાલ ફૂલીફાલી રહી છે.
100 મેગાવોટ્સથી વધુનો સોલાર પ્લાન્ટ હાલમાં કાર્યરત, વર્ષ 2025 સુધી 1000 મેગાવોટ્સનો લક્ષ્યાંક
કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. (કેપીઆઈગીલ) એ ભરૂચ જિલ્લાના સુડી ગામ ખાતે શરૂઆતમાં જ 220 એકર જમીન લઈને સોલાર પાર્ક વિકસાવવાનું પ્લાનિંગ કર્યું અને તેમાં 1200થી વધુ પરિવારને પ્લોટ થકી આવક પહોંચાડવાનું માધ્યમ બન્યા. વર્ષ 2013, 2015 અને 2017માં વાઈબ્રન્ટ ગુજરાતમાં 15-15 મેગાવોટ્સના એમઓયુ કરાયા અને સમય પહેલા કામ પૂર્ણ કર્યું. અત્યાર સુધી કંપનીએ સુડી ગામની 220 એકર જમીનમાં 59 મેગાવોટ્સનો સોલાર પ્લાન્ટ તૈયાર કરી દીધો છે. ભીમપુરામાં પણ 3.8 મેગાવોટ્સનો પ્લાન્ટ રન કરી દેવાયો છે, અહીં કુલ 10 મેગાવોટ્સનું આયોજન છે. જ્યારે તણછામાં કુલ 25 મેગાવોટ્સ પૈકી 15 મેગાવોટ્સનું કામ પૂર્ણ કરી દેવાયું છે. કંપનીનો રણાડા ગામમાં 20 મેગાવોટ્સનો સોલાર પ્લાન્ટ પૂર્ણ થવાને આરે છે. જ્યારે ઓચ્છણમાં પણ 15 મેગાવોટ્સનો પ્લાન્ટ કાર્યરત થયો છે. જ્યારે વાગરા, મુલેર અને કુરચણમાં ચાર-ચાર મેગાવોટ્સના પ્લાન્ટ પણ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. કંપનીના હાલ 600 એકરથી વધુ જમીન પર 100થી વધુ મેગાવોટ્સના સોલાર પ્લાન્ટ કાર્યરત છે. કંપનીએ વર્ષ 2025 સુધીમાં 1000 મેગાવોટ્સના સોલાર પ્લાન્ટનું કમિશનિંગ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે કંપનીને સુડી માટે બેસ્ટ સોલાર પાર્કનો એવોર્ડ પણ મળ્યો છે.
વિન્ડ પાવર સેક્ટરમાં પણ અનેરી આગેકૂચ: 1 ગીગાવોટ્સના કામ બુક
ગ્રુપની બીજી બીએસઈ લિસ્ટેડ કંપની કેપી એનર્જી લિ.ની વાત કરીએ તો તે પવનચક્કી ઈન્ડસ્ટ્રીઝને બેલેન્સ ઓફ પ્લાન સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. સાથોસાથ વિન્ડ ફાર્મ માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પૂરૂ પાડે છે. પવનચક્કી ઊભી કરવાથી લઈને પાવર સપ્લાય સુધીની સર્વિસ પૂરી પાડે છે. આજની તારીખે કંપની 200 મેગાવોટ્સ જેટલું વીજળી ઉત્પાદનનું કાર્ય સંભાળી રહી છે. વર્ષ 2019માં સીએલપી ઈન્ડિયા પ્રા.લિ.એ દ્વારકા માટે 250.8 મેગાવોટ્સનો ઓર્ડર આપતા તેના પર કામ શરૂ કરાયું છે, જ્યારે મહુવામાં 15 મેગાવોટ્સનું કામ હાથ પર છે અને બીજુ 70 મેગાવોટ્સનું કામ પણ નજીકના દિવસોમાં જ હાથ પર લેવાશે. કેપી એનર્જી પાસે 1 ગીગાવોટ્સના ઓર્ડર બુક છે અને આવનારા અઢી વર્ષમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. કેપીઈએ પહાડી વિસ્તારો, અંતરિયાળ વિસ્તાર, દરિયાઈ પટ્ટીના વિસ્તારો રાતડી, બારડિયા, ઓડેડર, માતલપુર વગેરે જગ્યાઓ પર વિન્ડ ઈન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સનું કપરું કાર્ય સુપેરે પાર પાડયું છે.
ફેબ્રિકેશન-એફઆરટી ક્ષેત્રે કેપી બિલ્ડકોન પ્રા. લિ.ની લગાતાર પેશકદમી
કેપી બિલ્ડકોન પ્રાઈવેટ લિમિટેડ એ કેપી ગ્રુપની ફલેગશીપ કંપની છે. વર્ષ 2001માં કંપનીની સ્થાપના સાથે જ તેણે ગુજરાતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ કહી શકાય તેવું યોગદાન આપ્યું છે. આજે આપણે સૌને જે મોબાઈલમાં નેટવર્ક કવરેજની સમસ્યાથી મોટાભાગે મુક્તિ મળી છે તે આ કંપનીને આભારી છે. કંપનીએ વોડાફોન, એરટેલ, આઈડીયા જેવી લીડિંગ કંપનીના ટાવર નેટવર્કના શ્રેષ્ઠ કાર્યો પાર પાડ્યા છે. મોબાઈલ કંપનીના ટાવરના નિર્માણ વેળા ‘એક ટાવર તમામ કંપનીના નેટવર્ક’નો વિચાર કંપનીના સીએમડી શ્રી ફારુક પટેલને આવ્યો હતો અને તેઓએ આ આઈડિયા મોબાઈલ નેટવર્ક કંપનીઓ સાથે શેર કર્યો હતો. ત્યારબાદ મોબાઈલ ટાવર ઉભા કરતી સૌથી મોટી કંપનીમાંની એક ઈન્ડસ કંપનીએ તે આઈડિયાનો અમલ શરૂ કર્યો અને તે માટે કેપી બિલ્ડકોનને જ આખા દેશના 16 રાજ્યોમાં મોબાઈલ ટાવર ઊભા કરવાનું કામ સોંપ્યું, કંપનીએ તે માટે લગનથી કામ કર્યું અને હાઈએસ્ટ રેડી ફોર ઈન્સ્ટોલેશન (RFI)નો એવોર્ડ મેળવ્યો. કંપનીના કામથી ખુશ વોડાફોન-આઈડિયા લિ. (વીઆઈ) એ આખા ગુજરાતમાં 2000 કિલોમીટર જેટલી 9 એફઆરટીનું મેઈન્ટેનન્સનું કામ કેપી બિલ્ડકોનને સોંપ્યું છે.
કેપી બિલ્ડકોન પ્રા.લિ.ના નેજા હેઠળ વડોદરા જિલ્લાના, પાદરા તાલુકાના ડભાસા ગામમાં આખું ફ્રેબિકેશન સેન્ટર ઊભું કરીને એફઆરટી, ઓએફસીનો વ્યવસાય સારી રીતે સ્થાપિત કર્યો છે. કેપી બિલ્ડકોન પ્રાઈવેટ લિમિટેડે ISO 9001: 2015 પ્રમાણિત કંપની છે, જેમાં ફેબ્રિકેશનની વિશાળ અને અત્યાધુનિક સુવિધા છે. ફેક્ટરી નવીનતમ આધુનિક મશીનરીથી સજ્જ છે અને અહીં 24000 મેટ્રિક ટનનું વાર્ષિક ગેલ્વેનાઇઝિંગ કામ કરી શકાય તેટલી ક્ષમતા છે. કંપનીએ એક અંતરિયાળ જગ્યામાં મહિને 150 ટનના કામથી ફેબ્રિકેશનની શરૂઆત કરી હતી પરંતુ આજે અહીં હાઈટેક મશીનરીના માધ્મયથી મહિને 1000 ટન ઉપરાંતનું કામ થઈ રહ્યું છે. કંપનીએ ઉચ્ચ ગુણવત્તાવાળા કામની સાથોસાથ સારી ક્વોલિટીનું ઓછા વજનવાળું કામ આપવાની શરૂઆત કરી. જેનાથી કામ સોંપનારી કંપનીને પણ સારો એવો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.
ફારુક પટેલ કહે છે મહેનત, મહેનત અને મહેનત જ તમને સફળતા અપાવશે
27 વર્ષમાં સફળતાની આટલી ઊંચી મંઝિલ સુધી કેવી રીતે પહોંચ્યા તે મતલબના સવાલનો જવાબ આપતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ફારુક પટેલ કહે છે કે, ભલે મેં સામાન્ય પરિવારમાં જન્મ લીધો પણ મારું લક્ષ્ય હંમેશા ઊંચું રાખી તે દિશામાં કામ કર્યું, કંઈક નવું વિચાર્યું, લિંકથી હટીને કાર્ય કર્યું, અનેક ઉતારચઢાવ વચ્ચે પણ મહેનત જારી રાખી અને જે પહેલા દિવસે મહેનત કરતો હતો તેટલી જ મહેનત આજે પણ કરી રહ્યો છું. મારું માનવું છે કે વિસામો જરૂર લેવો પણ ચાલવાનું જારી રાખવું. ઈશ્વર પર ભરોસો રાખીને મહેનત કરતા રહો તો સફળતા જરૂર તમારા કદમ ચુમશે. મહેનતનો વિકલ્પ મહેનત જ છે અને બસ સાચી દિશામાં મહેનત કરતા જાઓ તો પરિણામ સુધી જરૂર પહોંચી શકાશે.