
આણંદ શહેરના અનેક શ્રધ્ધાળુઓ ની આસ્થા ના પ્રતીક સમાન સાંઈબાબા મંદિરમાં છેલ્લાં ૧૦ વર્ષોથી સાફસફાઇ નું કામકાજ કરતા સેવકની હત્યા થતા શહેર માં ચકચાર મચી જવા પામી હતી જે ઘટના બાદ સતર્ક બનેલી આણંદ પોલીસે આ હત્યા માં ઝીણવટ ભરી તપાસ કરીને સાંઇબાબા મંદિરના વિક્રમ મહારાજ ની અટકાયત કરીને પૂછપરછ કરતા હત્યા વિક્રમ મહારાજ દ્વારા જ કરવામાં આવી હોવાનું ખુલવા પામતાં શહેર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મરણ જનાર કમલેશને વિક્રમ મહારાજના અન્ય મહારાજ સાથેના સમલૈંગિક સંબંધોની જાણ થઈ જતાં તે અવાર-નવાર ટોર્ચર કરતો હોય આખરે કંટાળીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૩મી તારીખના રોજ સાંઈબાબા મંદિર પાછળથી મંદિરના સેવક કમલેશભાઈ ચંદુભાઈ રાઠોડ (ઉ. વ. ૩૭)ની શંકાસ્પદ લાશ મળી આવી હતી. જે અંગે શહેર પોલીસે પ્રથમ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને લાશને પીએમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવતાં છાતી ઉપર બળપ્રયોગને કારણે પાંસડીઓમાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ તેમજ ફેફસાં પણ ભાંગી જવા પામ્યા હતા. જેના કારણે મોત થયાનું ખુલવા પામ્યું હતુ. આ અંગે આણંદ શહેર પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ કરતાં મરણ જનારના ભાઈ મહેશભાઈએ કમલેશ મંદિરના મહારાજ વિક્રમ મહારાજ સાથે જ મોટાભાગે રહેતો હતો અને તેમની સાથે જ મંદિરના સેવકનું કામકાજ કરતો હતો.જેને લઈને તેમના વિરૂધ્ધ શંકાને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ વિક્રમ મહારાજને પુછપરછ માટે બોલાવીને યુક્તિ-પ્રયુક્તિથી સવાલ-જવાબ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે જ કમલેશની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
જે અનુસાર વિક્રમ મહારાજને મંદિરના જ એક અન્ય મહારાજ સાથે વર્ષોથી સમલૈંગીક સંબંધો બંધાયા હતા. જેની જાણ કમલેશને થઈ ગઈ હતી અને તેને લઈને કમલેશ અવાર-નવાર મેણાં મારતો હતો અને ટોર્ચર કરતો હતો.જેથી કંટાળી ગયેલા વિક્રમ મહારાજ કમલેશને મંદિરની પાછળના ભાગે લઈ ગયા હતા અને ત્યાં ધક્કો મારતા તે દિવાલ સાથે અથડાઈને નીચે પડતા જ વિક્રમ મહારાજ તેની છાતી ઉપર બેસી ગયા હતા અને ગળુ દબાવી દીધું હતુ. ભારેખમ શરીર ધરાવતા વિક્રમ મહારાજનો ભાર કમલેશ સહન કરી શક્યો નહોતો અને ફેફસા ફાટી જતાં તેમજ પાંસડીઓ તુટી જતાં તેનું મોત થયું હતુ. કમલેશ મોતને ભેટ્યો હોવાની ખાત્રી કરી લીધા બાદ તેનો મોબાઈલ ફોન પણ લઈને પછાડી તોડી નાંખ્યો હતો. આ કબુલાતના આધારે પોલીસે વિક્રમ મહારાજની આજે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવીને વિધિવત ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.