Home ચરોતર અમેરિકામાં ચરોતરના યોગી પટેલને હોસ્પિટલીટી ક્ષેત્રનો શ્રેષ્ઠ ઉદ્યમીના એવોર્ડથી સન્માનિત કરાયા

અમેરિકામાં ચરોતરના યોગી પટેલને હોસ્પિટલીટી ક્ષેત્રનો શ્રેષ્ઠ ઉદ્યમીના એવોર્ડથી સન્માનિત કરાયા

26
0

અમેરિકામાં ચરોતરના યોગી પટેલને હોસ્પિટલીટી ક્ષેત્રનો શ્રેષ્ઠ ઉદ્યમીના એવોર્ડથી સન્માનિત કરાયા

લોસ એન્જેલીસમાં દક્ષિણ-એશિયાના 8 ઉદ્યોગકારોનું સાબાન-2021 ઍવોર્ડથી સમ્માન

અમેરિકામાં વસેલા એશિયાના ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા એક ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે

અમેરિકામાં ગુજરાતીઓએ હોટલ, મોટેલ રિયલ એસ્ટેટ અને હોસ્પિટલીટી ક્ષેત્રે મોટી સિદ્ધિઓ મેળવી છે. અહીં વસેલા એશિયન નાગરિકોમાં સૌથી વધુ સફળ ઉદ્યોગ સાહસિકો ભારતીય છે. અમેરિકામાં વસેલા એશિયાના ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા એક ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

ઉદ્યમીઓ એકજુથ થઈ કામ કરવા અમેરિકાના લોસ એન્જલસમાં વસવાટ કરતાં દક્ષિણ એશિયાના ઉદ્યોગકારોને વર્ષ 2007 થી દર વર્ષે સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ નેશનવાઇડ (સાબાન)થી સમ્માનિત કરવામાં આવે છે. સાબાન દ્વારા બિઝનેસની સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે પ્રદાન કરનારાઓની પસંદગી કરવામાં આવે છે.

અમેરિકામાં લોસ એન્જલસમાં વસવાટ કરતાં દક્ષિણ એશિયાના આઠ ઉદ્યોગકારોનું સાબાન-2021 એવોર્ડથી સમ્માન થયું હતું. આ એવોર્ડમાં બે મૂળ ગુજરાતી ઉદ્યોગકારોને પુરસ્કૃત કરાયા હતા. આ વર્ષે સેરિટોઝની સેરિટોન હોટલ ખાતે સમ્માન સમારોહનું આયોજન થયું હતું. જે આઠ વ્યક્તિઓનું સમ્માન થયું એમાં બે મૂળ ગુજરાતી લેબોન હોસ્પિટાલિટી ગૃપના સ્થાપક અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ યોગી પટેલ હોટલ બિઝનેસમાં પ્રવૃત છે. ઉપરાંત અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

બીજા મૂળ વડોદરાના ગુજરાતી પરિવારના પરિમલ શાહ છે. જેઓ પણ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે સાથે બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ સિવાય મૂળ ભારતીય અને જ્વેલરી ક્ષેત્રે કાવેરીનાથન, મહેમુદખાન, ફૈઝલ મોઝુમ્બર, રામશંકર તહસીલદાર (રામબાબુ) તથા મુર્તુઝા રાહીનો સમાવેશ થાય છે. તમામ એવોર્ડીઝનું ઓરેન્જ કાઉન્ટિના કાઉન્સિલ વૂમન કીન યાન, સાબાન એવોર્ડના ચેરમેન રણજીત શિવા, એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મોહમ્મદ ઇસ્લામ તથા પ્રકાશ પંચોળીના હસ્તે એવોર્ડ આપી સમ્માન કરાયું હતું.

સાબાનના ચેરમેન રણજીત શિવાને એમના ટૂંકા સંબોધનમાં સૌ એવોર્ડીઝને અભિનંદન આપ્યા હતા. અમેરિકામાં બિઝનેસક્ષેત્રે દક્ષિણ એશિયાના મૂળ લોકોનું જે યોગદાન છે એને બિરદાવ્યું હતું અને આગળ સૌ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

બિઝનેસ અને સામાજિક સેવા ક્ષેત્રે એવોર્ડ મેળવનારા યોગી પટેલે જણાવ્યું હતું કે, આ મારા માટે ગૌરવની ક્ષણ છે. મને જે સમ્માન મળ્યું છે એ મારા પત્ની સોનિયાબેન, બાળકો ઋષિ અને સુજાના સહયોગને આભારી છું. મારી સફળતા પરિવારની સાથે મારા કર્મચારીઓનું પણ યોગદાન રહ્યુ છે. આવા સમ્માન અમને બિઝનેસની સાથે સાથે સેવાક્ષેત્રે કાર્ય કરવાનું નવું જોમ પૂરું પાડે છે.

યોગી પટેલ મૂળ ચરોતરના ખાંધલી ગામના છે. અહીંથી સુરત પહોંચ્યા અને જ્યાંથી છેલ્લા 22 વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. આર્સેટિયામાં રહેતા યોગી પટેલ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ હેઠળ તેઓ હોટલ, રીઅલ ઍસ્ટેટ, મેનેજમેન્ટ ક્ષેત્રે બિઝનેસ કરે છે. અમેરિકન સરકાર સાથે પણ વિવિધ વિસ્તારના ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ મોટી યોજનાઓ સાથે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન છે.

યોગી પટેલ દ્વારા દર વર્ષે સામાજિક ઘાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન થાય છે. કોરોના કાળમાં એમણે વિવિધ સંસ્થાઓ સાથે મળીને ફૂડ કેમ્પ અને વેક્સિનેશન કેમ્પ યોજ્યા હતા. ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર યોગી પટેલનું અમેરિકાની વિવિધ સંસ્થાઓ દ્વારા અગાઉ પણ સમ્માન થઇ ચૂક્યું છે.

Previous articleઆણંદ એસઓજીએ તારાપુર મીલમાં 210 કટ્ટા સરકારી અનાજના ઝડપી પાડયા ,6,91,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Next articleપીપરી ગામે ખેતરમાં જેટકો કંપની દ્વારા ઉભા કરવામાં આવતા વીજ પોલ નો વિરોધ કરવામાં આવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here